રવિ ઉપાધ્યાય – સર્જકતાનો ખજાનો

રવિ ઉપાધ્યાયે ગુજરાતી સાહિત્ય, કલા અને સાંસ્કૃતિક ક્ષેત્રે કરેલાં માતબર પ્રદાનને અવગત કરાવતો બ્લોગ

 • રવિ ઉપાધ્યાય

  RKU for skylab 2
  રવિ ઉપાધ્યાય એટલે સર્જક્તાનો છલોછલ ભરેલો ખજાનો.
  જન્મ: 26/06/1928, કડોલી ગામ, જીલ્લો: સાબરકાઠાં.
  મૃત્યુ : 08 / 02 / 2002 મુંબઇ.
  થોડાં પણ સરળ અને સચોટ શબ્દોનાં ઉપયોગથી એમણે સર્જેલ, ઘણાં વેધક અને અર્થસભર ગીત, કવિતા, ગરબા-ગરબી, નવલિકા-નવલકથા, નાટક- નૃત્યનાટિકા વગેરેના અંશો પ્રસ્તુત કરતાં આ બ્લોગમાં આપનું સ્વાગતછે.
  આપનાં પ્રતિભાવ અને સલાહ-સૂચન આવકાર્ય છે.
  સંપર્ક : ડો. જગદીપ ર. ઉપાધ્યાય.
  phone:(91) 9321031220.
  (022) 28284271,(022) 28482425.
  E Mail : drupadhyayajr@yahoo.com

 • Advertisements

Posts Tagged ‘ટૂંકી વાર્તા’

શ્રેષ્ઠ કલા

Posted by Dr Jagdip Upadhyaya on એપ્રિલ 10, 2009

e0aab6e0ab8de0aab0e0ab87e0aab7e0ab8de0aaa0-e0aa95e0aab2e0aabe

શ્રેષ્ઠ લા

ટોળું આગળ ચાલ્યું. પવનના સૂસવાટાને લીધે રંગબેરંગી સાડીઓના છૂટા પાલવના ફડફડાટ અને માથાના છૂટા વાળની લટોનાં ઉડ્ડયન અને ખીલખીલાટ વેરાંતાં મૂક્ત હાસ્ય જોઇ¸ તરૂણીઓના વૃન્દ સાથે ચાલતાં કુમારને મનમાં  આછીશી ચીઢ ચડી. મોં પર ધીમા ગુસ્સાની રેખા તરવરી ઉઠી.

સરોવર આવી પહોંચ્યું. સૂર્ય ક્ષિતિજમાં ડૂબી ગયો…. પવનની લહેરોએ મંદ બની જઇ શીતળતા વહાવવી શરૂ કરી.

બેસો કલાકાર..! તમારૂં નિત્ય નિયમનું સ્થાન આવી પહોંચ્યું….. એક યુવતી બોલી.

“હાં…. ઉસ્તાદ લાવો પાળ સાફ કરી દઉં” બીજી યુવતીએ રૂમાલ વડે સરોવરની બાંધેલી પાળ સાફ કરી.

કુમાર સરોવરની પાળ પર બેઠો. તેનાં હ્રદયમાં કંઇક ગુઢ વેદના હતી… અને તેની વિષાદ છાયાં તેનાં મોં પર વ્યાપી ગઇ હતી.

બોલો  champion  મૃદુલા ગીત સંભળાવે, હુ નૃત્ય કરૂં કે પછી આ શોભનાની ફીલસૂફી સાંભળશો ?લતાએ પૂછ્યું.

માફ કરો મારે કંઇ નથી જોઇતુંકુમાર બોલ્યો.

…… તો શું ! મારૂં નૃત્ય એ તમારે મન કલા નથી ?લતાએ પૂછ્યું.

….અને મારાં સંગીતમાં … મારાં ગીતમાં… શું તમને કલાનો ભાસ નથી થતો?મૃદુલાએ પૂછ્યું.

સાચું કહો કુમાર ! મારી ફીલસૂફી …. શું તમને કલા નથી લાગતી?. શોભનાએ બે હાથ કુમારના ખભે મૂકી કુમારને ઢંઢોળી નાખ્યો …..

કલા ….! કલા…! નૃત્ય જરૂર કલા છે, સંગીતમાં જરૂર કલા છે, ફીલસૂફી પણ કલાનું અંગ જ છે…. પણ…. પણ… હું તે વડે ધરાઇ ચુક્યો છું. તે સર્વ કલાનો મારી પાસે ભંડાર છે. બોલો તમારે જોઇએ છે ? જાઓ…. હવે મને દરરોજ આ રીતે ના પજવો. મારે તો એક કલા જોઇએ કે જે મારી પાસે નથી. જે કલાને હું હજું સુધી ઓળખી શક્યો નથી. જે કલા જીવનમાં કોકવાર જ ચમકે છે અને કોઇને ચમકાવે છે, જીવન જીવતાં શીખવાડે છે….. તે કલા મારે મન શ્રેષ્ઠ કલા છે….ગુસ્સે થઇ કુમારે કહ્યું.

કુમાર ! આજે બે વર્ષથી અમે ત્રણે જણ તમારી પાછળ પતંગીયા બની ભમીએ છીએ, અલબત્ત સર્વ કલાનાં પાઠ અમે તમારી પાસેથી જ શીખ્યાં છીએ, છતાં તમને અમારી જ કલા પ્રત્યે પ્રેમ નથી !…. કુમાર…. અમારા ત્રણેમાંથી એકને અપનાવો, કોઇ એકમાં જ તમારી સર્વ કલા કેન્દ્રીત કરો પછી જૂઓ…… તમે કલાકાર છો અને તમારી ઉભરાતી કલાનું પ્રતિબિંબ અમારા ત્રણેમાંથી કોઇ એકના હ્રદયમાં સર્જશો તો જરૂર કલાને શ્રેષ્ઠત્વ આપી શકશો.શોભનાએ કલાની ફીલસૂફી દર્શાવી.

પરંતુ શોભના ! એ તો મારીજ શીખવેલી કલા છે. સંગીત, નૃત્ય, ફીલસૂફી અને શિલ્પ એ સર્વે તો મારી જ કલાના અંગ…. પછી મને તેમાં શાનું શ્રેષ્ઠત્વ ભાસે ? મારે તો નવીન કલા જોઇએ ….. નવીનતા …! જગતની આંખોના અંધારા દૂર કરવાં માટે ચમકતી કોઇ નવી કલાનું તેજઅણુ…! જીવન જીવવા માટેની કલા …. જે કલામાં જીવન હોય …! જે કલામાં આત્મા હોય…..! કુમાર સરોવરમાં રચાતા જળવર્તુલો તરફ જોઇ બોલ્યો. તેના હૈયામાં વિચાર વર્તુલો વળ્યે જતાં હતાં.

કલાકાર ! કઠોર ન બનો. ત્રણેમાંથી જે કલા પ્રિય લાગે તે કલાની શિષ્યાને અપનાવો.અમે ત્રણે આનંદીત થઇશું જો કોઇ એકનું જીવન સુખી થતું જોઇશું તો ! શું નૃત્યમાં જીવ નથી? લતાએ પોતાની નૃત્યકલા માટે દલીલ કરી…

લતા….. તારી નૃત્યકલામાં આત્મા જરૂર છે, પરંતુ તે આત્માને તો હું ઓળખી ચૂક્યો છું. જગત પણ પળે પળે તે કલામાં લીન થાય છે…. પણ મારે મન જીવન સંગ્રામ અને જીવન વિકાસનું ધ્યેય જેમાં મૂર્તિમંત બનતું હોય એજ શ્રેષ્ઠકલા છે….કુમારે લતા તરફ જોઇ કહ્યું.

તો પછી પ્રિય કુમાર ! મારી સંગીતકલા તરફ દ્રષ્ટિ ફેરવો….! તમારી મનની ઇચ્છિત અને સ્વપ્નસર્જીત શ્રેષ્ઠકલા માટે હું મારી સંગીતકલા વડે તમારા જીવનસંગ્રામમાં પ્રણયપુષ્પો વેરીશ … તમારા ધ્યેયમાં … તમારી કલામાં… મારાં ગીત-સંગીતની સૌરભ મ્હેંકશે. …. અને …મારી કલાનું શ્રેષ્ઠત્વ સર્જાશે. સંગીત-કલાનું શ્રેષ્ઠત્વ ધરાવતી મૃદુલા બોલી.

જીવન મૃત્યુ માટે છે …કલા અમરત્વ માટે સર્જાય છે. તો પછી કલા, જીવન કરતાં શ્રેષ્ઠ નથી ? શું સંગીત, નૃત્ય અને તત્વચિંતન એ જ જીવનની ક્લાના મૂર્તિમંત સ્વરૂપો છે..? તે સિવાય કોઇ શ્રેષ્ઠ કલા નથી ? કુમાર હસ્યો. તેના હાસ્યમાં તેના હૈયામાં ઉઠતા વેદનાભર્યા પ્રશ્નોના પડઘા ભર્યાં હતાં.

નિ….શા તું કેમ મૂંગી બેસી રહી છે ? હવે કલાકારને રીઝવવા તું પ્રયત્ન કર … હાં પણ તારી પાસે ક્યાં કોઇ પ્રકારની કલા છે ? લતા હસી પડી.

બહેન ….માફ કરજો …. તમે બધાં શું બોલો છો એ જ મને તો સમજ પડતી નથી …. શાની કલા …. અને શાની શ્રેષ્ઠકલા ….! હું તો જરા સરોવર કિનારે તમારી સાથે ફરવા આવું છું એટલું જ બાકી મને તો આમાં કાંઇ આવડતું નથી અને આવડશે પણ નહીં.ગભરાતી …. સંકોચાતી નિશા બોલી.

નિશા ! તારી પાસે પણ કલા છે. તારૂં દેહ સૌંદર્ય એ શું કલાનું અંગ નથી…? કુમારે નિશાને પૂછ્યું.

જવા દો વાત …. મને કાંઇ સમજ ન પડે.નિશા બોલી.

અંધકાર વધ્યે ગયો અને ટોળું ઘરે ગયું

*************************************

કુમાર કલાકાર હતો. જીવનના અમૂલ્ય વર્ષો તેણે કલા પાછળ વહાવ્યાં હતાં. સંગીત તેના જીવનની પ્રથમ કલા હતી. નૃત્યકલામાં પ્રાવિણ્ય મેળવવા તે ઠેરઠેર ભટક્યો હતો. ફીલસૂફી એ જ જીવનની સાચી કલા છે એમ લાગવાથી જીવનનાં પાંચ છ વર્ષ એ માટે અભ્યાસ આદર્યો. શિલ્પક્લામાં જીવનરસ અને જીવનધ્યેય સમાયેલ છે એમ લાગ્યું ત્યારે તેણે તે માટે રાત-દિવસ તપ કર્યાં અને તેમાં પ્રવિણતા મેળવી. સર્વ કલામાં પાવરધો થયો છુંએમ લાગ્યું ત્યારે તેણે એક “કલામંદિર” સ્થાપ્યું. મૃદુલા, લતા, શોભના અને એવી બીજી કેટલીયે યુવતીઓ અને રસીક યુવાનો કલાકારબનવા આવ્યા. ખર્ચાય એટલી જીવનશક્તિ ખર્ચી કુમારે સર્વ શિષ્યોને કલા પાઇ. તેના ઉત્તમ ફળરૂપે મૃદુલા શ્રેષ્ઠ ગાયિકા બની. લતા અદભૂત નર્તકી બની અને શોભના મહાન તત્વચિંતિકા બની. છતાં કુમારનું મન ના વળ્યું. કુમારને હજી કાંઇ ખામી રહી જણાતી હતી. કંઇક ન્યૂનતા દેખાતી હતી.

કુમારને લાગ્યું મારી તપશ્ચર્યા નિષ્ફળ ગ ઇ. મારૂં ધ્યેય સિધ્ધના થયું. જીવનની સાચી કલા ક ઇ ? મારી કલામાં અમર આત્મા નથી…. હજું કાંઇ બાકી છે…..

કુમાર ઉદાસીન રહેતો. ત્રણે શિષ્યાઓ કુમારને પોતાના હ્રદયનો કલાકાર બનાવવા મથતી. કુમારને તે હાસ્યપાત્ર લાગતું. તેનું જીવનધ્યેય ઉત્તમ કોટિની કલાકાર પત્ની મેળવવાનું ન હતું, તેનું ધ્યેય મહાન કલાનું સર્જન કરવાનું હતું. જગતને અમૂલ્ય અને જીવંત કલા આપવા માટે તેણે પોતાની જીંદગીના અમૂલ્ય વર્ષો વેડફ્યાં હતાં. કલા એજ તેનો જીવંત મંત્ર હતો અને કલા એજ તેના હ્રદયના ઉંડા શ્વાસોશ્વાસ હતાં …..

શોભના કલાકારને ચાહવામાં અને તેના જીવન સાથે જીવન સાંધવામાં જીવનની શ્રેષ્ઠ કલાનું સર્જન થશે એમ માનતી હતી.

લતા પોતાના ગુરૂનું જીવનભર સાનિધ્ય મેળવવામાં અને અંગે અંગ ઉભરાતા યૌવનને નૃત્યમાં વણી, કલાનું શ્રેષ્ઠ ઝરણ વહાવવામાં જ જીવનને ધન્ય સમજતી હતી.

અને મૃદુલા ! મૃદુલા તો પોતાની હ્રદયવીણાના પ્રણયતાર પર કુમારની કલાઝરતી અંગુલીઓનો હળવો સ્પર્શ થશે તો જ સંગીતના સૂરીલા અને શ્રેષ્ઠ સૂરો બાજશે અને ત્યારે જ  શ્રેષ્ઠ કલાનું સર્જન થશે જે વડે પોતાનું જીવન સાફલ્ય સાધી શકાશે એ માન્યતા ધરાવતી હતી.

છતાં કલાકાર કુમારને તેમાં કલા દેખાતી નહીં. તેમાં તો તેને વિકારની ઘેરી વાસના છાયેલી જણાતી.

નિત્ય નિયમ અનુસાર કલાકાર આજે સરોવરની પાળ પર બેઠો હતો. તેના હૈયાની ગ્લાની રેષાઓના પ્રતિબિંબ મુખ પર રચાયેલ હતાં. શોભના, લતા, મૃદુલા અને નિશા બીજી તરફ કોઇની સાથે વાતચીત કરતાં હતાં. આજે નિત્ય કરતાં મોડું થયું હતું એટલે અંધકાર ગાઢ હતો. સરોવરનાં શાંત અને અથાગ જળમાં એક મોટો અવાજ થયો. ચારે યુવતીઓ ગભરાઇ ગઇ. કોઇ એક યુવતીએ દોડી સરોવરમાં ઝંપલાવ્યું. કિનારે ઉભેલી, ગભરાયેલી ત્રણે ક્લાપ્રિય યુવતીઓ એકબીજા સામે આશ્ચર્યભરી મુખમુદ્રાએ જોઇ રહી.

હાય રે ……..! કલાકાર…… સરોવરમાં પડ્યા ….?

કુમાર ……. મારા ….. કુ……!

અરે … પણ પેલી નિશા શા માટે સરોવરમાં કૂદી પડી …?

…….. થોડીક પળો બાદ ઘણી મથામણ બાદ નિશાએ કલાકારના બેભાન દેહને જોરથી કિનારે ધકેલી મૂક્યો. કિનારે ઉભેલી યુવતિઓએ કલાકારના દેહને ઉપર ખેંચી લીધો. અવાજને કારણે ઉહાપોહ મચી ગયો. થોડા દૂર ઉભેલા ચાર છ પુરૂષો દોડી આવ્યા. ડૂબતી નિશાને પણ બચાવી લીધી પણ પાણી વધુ પડ્તું પી જવાથી તે પણ બેભાન હતી.

ચાર દિવસની બેભાન અવસ્થા કેડે કુમાર આજે જાગ્યો. તેની આંખ ઉઘડી, તેને ભાન આવ્યું. પોતે ક્યાં છે એની તેને તો પહેલાં સમજ ન પડી.

હું…. હું … ક્યાં છું ? તેણે વેદના ભર્યાં કંઠે બૂમ પાડી.

ગભરાઓ નહીં મિસ્ટર કુમાર…. તમે હોસ્પિટલમાં છો. યાદ છે તમે ડૂબ્યાં હતાં અને પછી તમને કોઇએ બચાવ્યાં. તમે બેભાન હતાં તેથી હોસ્પિટલમાં લાવવામાં આવ્યાં. આજે ચાર દિવસ કેડે તમને ભાન આવ્યું છે. ….. પણ તમે જરાએ ગભરાશો નહીં નર્સે કુમારને કહ્યું.

મને કોણે બચાવ્યો ? શા માટે બચાવ્યો ?

તમને કોઇ સ્ત્રીએ બચાવ્યો છે.નર્સે જણાવ્યું.

સ્ત્રીએ ? ? ? ′  શોભના…. લતા….કે મૃદુલા…. કોણ હશે ? કુમારના વેદનાગ્રસ્ત મનમાં પ્રશ્નોનાં વર્તુળ રચાયાં.

શોભના,  લતા અને મૃદુલા દરરોજ કુમારની તબિયતના સમાચાર લેવાં હોસ્પીટલમાં આવતાં આજે પણ તેઓ આવ્યાં અને કુમારના રૂમમાં દાખલ થયાં.

મને શા માટે બચાવ્યો ….?  શા માટે…? કુમાર ધીમા શબ્દે બબડ્યે જતો હતો.

કુમાર ….. પ્રિય કુમાર ….. તમને બચાવ્યા પણ તે ન બચી. બેભાન હાલતમાં અહીં હોસ્પીટલમાં તેને લાવ્યા. આજ બે દિવસ પહેલાં પાંચ દસ મિનિટ માટે તેને ભાન આવ્યું હતું અને તે ક્ષણોમાં તેણે એક પત્ર લખી નાખ્યો. પછી પાંચ મિનિટમાં તો એની આંખો સદાને માટે મીંચાઇ ગઇ. મહાપ્રયાસોને અંતે પણ ડોકટરોના હાથ હેંઠા પડ્યા…..બોલતાં બોલતાં લતાએ કુમારની છાતી પર માથું ઢાળી દીધું.

પત્ર ….? પત્રમાં શું લખ્યું હતું ?ઉત્સુક કુમારે પૂછ્યું.

પત્ર વાંચવાંની તેણે અમને ના પાડી હતી. તમે જાગૃતિમાં આવો ત્યારે તમને વાંચવાનું કહ્યું છે. આજ્ઞા હોય તો વાંચી બતાવું !મૃદુલા બોલી.

હા… વાંચ…

મૃદુલાએ પત્ર ઉઘાડ્યો. અક્ષરો છૂટા છવાયાં હતાં….

શ્રેષ્ઠ કલાકાર ….?

ક્લા શોધો છો કે મૃત્યુ ? મૃત્યુમાં શું કલા નથી ?. જીવનને ક્લા માનો છો તો મૃત્યુ એક કલા જ છે ને ? છતાં તમારે તો શ્રેષ્ઠ જ કલા જોઇએ.

તમને બચાવતાં જતાં આજે કદાચ હું પ્રાણ ખોઇશ….. તેમાં મને ગૌરવ ભાસે છે. કલાકારને બચાવવાં જતાં કલાની અણઘડ પ્રતિમા મરી જશે તો જરૂર શ્રેષ્ઠ કલાનું સર્જન થશે. યાદ છે ? શાળામાં સાથે ભણતાં તમે મારાં દેહસૌંદર્ય તરફ આકર્ષાયા હતાં….. પરંતુ તે અણ કેળવ્યા દેહસૌંદર્યે મારા જીવનમાં કલાનો ભાસ ના કરાવ્યો. હું તમારાંથી દૂર રહી. તમારું કલામંદિર મને ના ગમ્યું. તેથી તમને મારાં પ્રત્યે અણગમો થયો. છતાં તમારી કલાની જીવંત ધગશ પ્રત્યે – મને સદાય માનની લાગણી જ રહી છે. અને તેથી જ તે કલાના આત્માને બચાવવા…… એ કલાનું અમરત્વ સર્જવાં કદાચ મારે મારી જીંદગીની કિમંત ચૂકવવી પડે તોયે મને દુ:ખ નહીં થાય. સ્વર્ગના કલાધામમાં અનંતકાળ માટે વિહરશે. આશા છે કે જીવીને અધૂરી શ્રેષ્ઠ કલાનું સર્જન કરજો.. મારૂં મૃત્યુ …. તમારી સાધનાની સિધ્ધી માટે – તમને કદીક યાદરૂપ થશે તો હું મારૂં જીવન સાર્થક થયું ગણીશ.

એજ,…..પાસે છે તેટલી કલાથી કલાનું મૂલ્ય ચૂકવી આપતી આપની…નિશા……

મૃદુલા પત્ર વાંચી રહી. શોભના અને લતા કુમારના પલંગ પાસે બેઠાં હતાં ….   કલા…..! શ્રેષ્ઠકલા…..! લતા જોઇ તેં શ્રેષ્ઠ કલા…..! શોભના……! સાચી અને શ્રેષ્ઠ કલા….. મૃત્યુ ….! નિશા ….. આજથી હું પ્રતિજ્ઞા કરું છું કે તારી શ્રેષ્ઠ કલાને જીવનભર ટકાવી રાખીશ….. શ્રેષ્ઠ કલાનું સર્જન એમાં જ છે …. શ્રેષ્ઠકલા કુરબાનીમાં છે.! નિશા તેં આત્મસ્વાર્પણ અને કુરબાનીની ભવ્ય કવિતા રેલાવી મારી કલાના કિંચિત ઝરણને સાગર બનાવ્યો…… દેવી …..! હું અને તારી મહાન કલા મારાં હૈયામાં, મારી આજસુધીની ઉત્તમ ફળરૂપી શ્રેષ્ઠ કલા બની અમર રહેશેં. મારાં જીવનમાં તેં શ્રેષ્ઠકલાનો પ્રદિપ્ત દીપ પ્રગટાવ્યો છે દેવી !. તેં આત્મસ્વાર્પણ એ જ સાચી અને શ્રેષ્ઠકલા છે….. દેવી ધન્ય છે………!

…….. અને કુમારની આંખમાંથી બે આંસુ સરી પડ્યાં, શું તે આંસુ હર્ષનાં હતાં કે શોકનાં ?

નહીં …….. તે આંસુ તો શ્રેષ્ઠકલાની સર્જક નિશાની ભવ્ય આત્મ કુરબાનીની કબર પરનાં બે અમૂલ્ય સુગંધીત પુષ્પો હતાં……….

લેખક – રવિ ઉપાધ્યાય ૘ વય – 22 ૝ પ્રસિધ્ધ – યુગાંતર ૝ તા. 06 / 08 / 1950

 

Advertisements

Posted in વાર્તા - ટૂંકી વાર્તા | Tagged: | 1 Comment »

 
%d bloggers like this: