રવિ ઉપાધ્યાય – સર્જકતાનો ખજાનો

રવિ ઉપાધ્યાયે ગુજરાતી સાહિત્ય, કલા અને સાંસ્કૃતિક ક્ષેત્રે કરેલાં માતબર પ્રદાનને અવગત કરાવતો બ્લોગ

 • રવિ ઉપાધ્યાય

  RKU for skylab 2
  રવિ ઉપાધ્યાય એટલે સર્જક્તાનો છલોછલ ભરેલો ખજાનો.
  જન્મ: 26/06/1928, કડોલી ગામ, જીલ્લો: સાબરકાઠાં.
  મૃત્યુ : 08 / 02 / 2002 મુંબઇ.
  થોડાં પણ સરળ અને સચોટ શબ્દોનાં ઉપયોગથી એમણે સર્જેલ, ઘણાં વેધક અને અર્થસભર ગીત, કવિતા, ગરબા-ગરબી, નવલિકા-નવલકથા, નાટક- નૃત્યનાટિકા વગેરેના અંશો પ્રસ્તુત કરતાં આ બ્લોગમાં આપનું સ્વાગતછે.
  આપનાં પ્રતિભાવ અને સલાહ-સૂચન આવકાર્ય છે.
  સંપર્ક : ડો. જગદીપ ર. ઉપાધ્યાય.
  phone:(91) 9321031220.
  (022) 28284271,(022) 28482425.
  E Mail : drupadhyayajr@yahoo.com

 • Advertisements

Archive for the ‘ગીત – પ્રશસ્તિ ગીત’ Category

હરિવર વરસાવે હેલી હેતની શ્રી નારાયણદાસ સુ જોષીને……..

Posted by Dr Jagdip Upadhyaya on ફેબ્રુવારી 26, 2009

narayandas-joshiનારાયણદાસ સુખરામ જોષી …..

સગપણે એ મારાં વ્હાલા માસા. આજે નેવું (90) વર્ષ પૂરાં કરી એકાણુંમાં (91) વર્ષમાં પ્રવેશતા આ માસા મારાં સગામાં હાલ સૌથી વયસ્ક. પ્રભુની અસીમ કૃપાથી  અને ખુદની નિયમિત, સાદી અને શિસ્તભરી જીવનશૈલીને કારણે ( કે કદાચ દર શીયાળાની મોસમમાં મેથીપાકના અચૂક સેવનથી ), આજે પણ ( થોડી કાન અને આંખ પર વર્તાતી ઉમ્મરની અસર બાદ કરતાં ) ખૂબ જ સ્વસ્થ તન અને મન સાથે એ આનંદે હરીફરી શકે છે. દરરોજ સાંજે પાર્કમાં તેઓ ફરવા જાય. સમવયસ્કોની મંડળીમાં વાતચીત કરે, ખબરઅંતર પૂછે, લાફીંગ ક્લબમાં પેટભરી હસે કાં સંતાનોના ઘરે બે ચાર ઘડી ફરી આવે. 1954માં મારાં જનમ થી 1969માં મારાં મેટ્રીક સુધી વિલેપાર્લાના મારૂતીબાગના માળામાં અમે ઉપર નીચે રહેતાં. એમની આંખ સમક્ષ હું મોટો થયો અને એટલે એમનું વ્યક્તિત્વ આજીવન મારાં માનસપટ પર સવિશેષ છવાઇ જ રહે.

પોતાનાં કપડાં આજે પણ જાતે ધોતાં નારાયણદાસમાસાં સ્વાવલંબી અને એક મળવાં જેવાં ખાસ માણસ. જેની કલક્ત્તામાં હેડઓફીસ છે એવી ઇસ્ટ ઇડીંયા ફાર્મસ્યુટીક્લ કંપનીમાં મેડીકલ રીપ્રેસ્ટંટેટીવથી શરૂઆત કરી છેલ્લે રીટાયરમેંટ વખતે એરીયા મેનેજર તરીકે નિષ્ઠાપૂર્વક એમણે વરસો સુધી સરવીસ કરી. (સૂટ-બૂટ-ટાઇમાં સજ્જ થઇને ! ) મુંબઇના લગભગ બધાં સારાં ટોચના ડોક્ટરોને  મળવાનું અને અનેક હોસ્પીટલોમાં જવા આવવાનાં કારણે મેડીકલ ફીલ્ડમાં એમની સારી એવી ઓળખાણ. ડો. ગાંજાવાલા (સર્જન), ડો. સી.એલ.ઝવેરી (ગાયનેકોલોજીસ્ટ), ડો.પ્રફુલ્લ પટેલ, ડો. અશોક શ્રોફ (ઓપ્થેલમોલોજીસ્ટ), ડો.એ.બી.આર દેસાઇ (ઇ એન ટી સ્પેશીયાલીસ્ટ) ડો. બી.જે.વકીલ (ગેસ્ટ્રોએંટ્રોલોજીસ્ટ) જેવાં નામાંકિત ડોક્ટરો પાસે અમારી જ્ઞાતિનાં અને આડોશ પાડોશનાં દર્દીઓને સાથે લઇ જઇ ઇલાજ કરાવતાં અને આમ દરદીઓ અને ડોક્ટર વચ્ચે સેતુનું કામ કરતાં. જરૂર પડ્યે એમની કંપનીની દવા જેવી કે ટોનોફેરોન, કેલરોન, એંટ્રોક્વીનોલ, વીટાઝાઇમ, લોક્યુલા આઇ ડ્રોપ્સ, ડરમોક્વીનોલ જેવી દવાનાં સેમ્પલો પણ આપતાં. આ ઉપરાંત યુનિકેમ,એલેમ્બીક, ગ્લેક્ષો, મર્ક શાર્પ, કે જર્મન રેમેડીઝ કંપનીની દવાઓનાં સેમ્પલો એમનાં મિત્ર રીપ્રેસ્ટંટેટીવ પાસેથી મંગાવી આપતાં.

અમારી જ્ઞાતિના છાત્રાલયમાં ભણ્યા હોવાથી જ્ઞાતિના સમાજ ટ્ર્સ્ટ અને વિદ્યાર્થીભુવનના સંચાલનમાં પણ ઘણી સેવા આપી છે. પુનિત મહારાજ સ્થાપિત પ્રેરણાદાયી અને જીવનનો રાહ બતાવતું “જનક્લ્યાણ” મેગેઝીન અને એ ટ્રસ્ટ દ્વારા અવારનવાર બહાર પડતાં અન્ય અનેક પુસ્તકોનું પાર્લા વિસ્તારમાં વર્ષોસુધી સ્વહસ્તે વિતરણ કરવા એમણે લીધેલી અને નિભાવેલી જવાબદારી એ બહુજન સમાજની એમણે કરી હોય એવી એક મોટી સેવા જ ગણાય.  એ સહુ કુટુંબીજનો માટે કુટુંબવત્સલ, અને પ્રેમાળ રહ્યાં છે. હા ! કોઇક વાર ગુસ્સે પણ સારાં એવાં થાય અને ભલભલાને ખખડાવી પણ નાખે. ક્યારેક જયામાસી સાથેની એમની તીખીમીઠી ચડભડ પણ સાંભળવાં જેવી ખરી ….મૂળત: તો માસા રમૂજી. “પાકીઝા”, ઢેમ, મનસુખલાલ, શીસો-“કોઠી”, ધનીયા, ” બા ના આશીષ”  વગેરે એમનાં પ્રિય પાત્રો. તારક મહેતાની “દુનિયાને ઉંધા ચશ્મા” સીરીયલમાં આવતા “જેઠાલાલ”ના પાત્રસમા કાંતીકાકા સાથેની એમની મિત્રતામાં આજે પણ એટલીજ તાજગી વર્તાય. એમના સંતાનોમાં ભક્તિબેન, અનુપમ,નલીન અને અંજલી સહુ સ્થાઇ અને સુખી છે.

ફરી એકવાર જન્મદીન મુબારક અને શેષ જીવન સુખી અને સ્વસ્થ રહે અને તેઓ શતાયુ બને એવી પ્રભુ પાસે અભ્યર્થના…….

*** ડો.જગદીપ રવિ ઉપાધ્યાય

તા 26/02/1999નાં રોજ આયુષ્યનાં 81માં વર્ષમાં પ્રવેશ કરતાં શ્રી નારાયણદાસ સુ. જોષીને બિરદાવતો કુટુંબમેળાનો પ્રસંગ ગંગાબેન જપી સભાગૃહ, બોરીવલી મુકામે યોજાયેલ હતો. આ પ્રસંગે  કવિ:રવિ ઉપાધ્યાયે પોતાનું કાવ્ય રજૂ કર્યું હતું જે આ મુજબ હતું :

વ.શ્રી નારાદા સુ જોષીને…….. 

મ્હોર્યો મતવાલો મનનો માંડવો, ડોલી દિગ દિગની ડાળ,

વેલી વાર્ધક્યની વિસ્તરી સુદ્ર્ઢ સ્વાસ્થ્ય સંભાળ

હરિવર વરસાવે હેલી હેતની …… (1)

 

કેડી કંડારી વેઠી કષ્ટ સહુ, ઘડ્યા જીવતરના ઘાટ

હરપળ સંઘર્ષો કીધાં બહું, વિસરી દિવસ અને રાત

હરિવર વરસાવે હેલી હેતની …… (2)

 

અખૂટ આત્મશ્રધ્ધા થકી ખેડ્યાં જીવનના જંગ

સ્નેહી, સ્વજન કાજે આદર્યો સેવા ધર્મના રંગ.

હરિવર વરસાવે હેલી હેતની …… (3)

 

પરદુ:ખ કાજે દુ:ખી થયા, બન્યા રાહબર હંમેશ

સત્ય કાજે ઝઝૂમી ઉઠ્યા, ડરના રાખ્યો લવલેશ

હરિવર વરસાવે હેલી હેતની …… (4)

 

સુશિક્ષણ આપી ઉચ્ચતમ, કીધાં સંસ્કારી સંતાન,

શીલ, સંયમી દાંપત્યનું દોર્યું જીવન-સુકાન,

હરિવર વરસાવે હેલી હેતની …… (5)

 

દીર્ઘાયુષી બનો દંપતી, શતં જીવો શરદમ

શુભેચ્છાઓ સૌ સ્વજન આપે, હો આનંદ મંગલમ

 હરિવર વરસાવે હેલી હેતની …… (6)

 

કવિ:રવિ ઉપાધ્યાય ( 26/02/1999)

Advertisements

Posted in ગીત - પ્રશસ્તિ ગીત, ગીત - પ્રસંગોચિત્ત | 4 Comments »

બ્રહ્મનિષ્ઠ વરિષ્ઠ વડીલને

Posted by Dr Jagdip Upadhyaya on સપ્ટેમ્બર 16, 2008

 

 સ્વ . શ્રી કૃપાશંકર મોતીરામ ભટ્ટ એ સત્યાવીશ સાબરકાંઠા બ્રહ્મોદય સમાજ -(જ્ઞાતિ) નાં એક પ્રખર કાર્યકર્તા.. મારાં માતુશ્રી ઉષાબેનના કાકા અને મુંબઇ V.T. station પાસે આવેલ 100 વર્ષ જેટ્લી જૂની નૃસિંહ લોજના સ્થાપક.  એક વાર્તાલાપ નામે ગુજરાતી બ્લોગ ચલાવતાં Dallas, Texasમાં સ્થાયી થયેલ આપણાં નવયુવાન શાયર હિમાંશુ ભટ્ટ્નાં તેઓ દાદા. આ સમાજે એમની સેવાઓ બિરદાવવાં આશરે 30 વર્ષ અગાઉ યોજેલ કાર્યક્રમમાં કવિ રવિ ઉપાધ્યાયે રજૂ કરેલ આ પ્રશસ્તિ કાવ્ય હમણાં હાથ લાગ્યું જે હું આજે publish  કરું છું.  (  હમણાં અંગત વ્યસ્તતા અને ઉત્તરાખંડ અને હિમાલયમાં આવેલાં યમુનોત્રી ગંગોત્રી બદ્રીનાથ અને કેદારનાથનાં 4 પવિત્ર ધામની યાત્રા કરી એટ્લે નવી પોસ્ટ મૂકતાં વિલંબ થયો છે.  )

-ડો. જગદીપ ઉપાધ્યાય 

રહ્મનિષ્ઠ વરિષ્ઠ વડીલને, આજે સહુનાં વંદન હો…..  

 

ૌરીપુત્ર ગણેશને વંદુ, આરાધું મા સરસ્વતી !

નિર્વિઘ્ને સહુ કાર્ય કરો ને વાણી દેજો વિમળ અતિ !

દેવો હે નભ અંતરીક્ષથી આશિષ અમૃત દ્રષ્ટિ વરો

ગાંધર્વો રસ સંગીતથી સચરાચર સહુ દિશા મિષ્ટ કરો  

દેવાંશી નરભદ્રનું આજે અહીં સન્માન સુમંગલ હો…..

બ્રહ્મનિષ્ઠ વરિષ્ઠ વડીલને, આજે સહુનાં વંદન હો…..  

 

કષ્ટ વેઠીને અનેક કપરાં શિક્ષણનાં જે બીજ વાવ્યાં,

વર્ષો બાદ બન્યું છે આજે ઘટાવૃક્ષ ઘેઘૂર છાયાં

જ્ઞાનપિપાસુ બ્રહ્મબાળને છત્ર સહારો સદાં મળ્યાં

કૈંક સેંકડો વિદ્યાર્થીઓ ભણી ગણી આગળ નીકળ્યાં.  

એ સૌનાં હૈયાં હરખાંતાં ઉમંગનાં જ્યાં સ્પંદન હો !

 બ્રહ્મનિષ્ઠ વરિષ્ઠ વડીલને, આજે સહુનાં વંદન હો…..  

 

કેવો સમય હતો એ જ્યારે શિક્ષણનું જ્યાં નામ નતું

કુરિવાજો ને વહેમનું વાદળ છાયું ગામે ગામ હતું !

પ્રિયબંધુના સાથ સહારે, સંકટ સામે લડ્યાં તમે

અડગ આત્મશ્રધ્ધાથી કેવાં વિકટ ચઢાણો ચઢ્યાં તમે !  

 કેમ વિસરશે જ્ઞાતિજન જે સહુનાં પરદુ:ખભંજન હો !  

બ્રહ્મનિષ્ઠ વરિષ્ઠ વડીલને, આજે સહુનાં વંદન હો…..  

 

 બ્રહ્મજગતની સેવા કાજે ઉદારતા હૈયે ધારી

 તનમનધન અર્પણ કીધાં, કેવી કુદરતની બલિહારી !

સેવાની નિ:સ્વાર્થ વૃત્તિથી સંસ્થા સદા દીપાવી છે

 સાચી વિવેકબુધ્ધિથી વ્યવસ્થા સદા સજાવી છે.  

જ્ઞાતિની ફૂલવાડી મ્હેંકે, આપ વૃક્ષ જ્યાં ચંદન હો !

 બ્રહ્મનિષ્ઠ વરિષ્ઠ વડીલને, આજે સહુનાં વંદન હો…..   

 

ગાયત્રીના મહાઉપાસક ! આરાધક શિવશક્તિના !

બ્રહ્મતત્વના હે વિધાયક ! સાધક હે સદભક્તિના !

સત્ય શીલના સાત્વિક મંત્રે જીવન રાહ ઉજાળ્યો

સ્થિતપ્રજ્ઞના કર્મયોગથી ધર્મનો મર્મ સુહાવ્યો  

જ્ઞાનગંગાનાં વારિ પીધાં  જ્ઞાતિજનમન રંજન હો !

બ્રહ્મનિષ્ઠ વરિષ્ઠ વડીલને, આજે સહુનાં વંદન હો…..  

 

 જે ધુરાને તમે વહી છે, સુપુત્રો તે વહન કરે

 તમ આદર્શોની કેડી પર અવિરત અવિચળ ગમન કરે

સંસ્કારોનો શતદલ ક્યારો, મ્હોર્યો કેવો મતવાલો !

જ્ઞાતિ સેવા તણો વારસો દીધો કેવો નિરાલો ! 

ધ્રુવ તારક થઇ જ્ઞાતિ ગગને તમે અચળ ઝબકંત રહો !  

બ્રહ્મનિષ્ઠ વરિષ્ઠ વડીલને, આજે સહુનાં વંદન હો…..  

 

અમર રહો હે મીરા – કૃપા ! દેવ-કૃપા તમ પર વરસો !

શ્રી, ધી, સંપતિ, સંતતિ સઘળું સુખ સદાય અખૂટ રહો !

શત શત શરદ વરદ આયુષ્ય હો, વાનપ્રસ્થ હો સ્વસ્થ સદા.

ધર્મપરાયણાભિમુખતા શેષજીવન હો વ્યસ્ત સદા પારસમણી હે !  

તવ સ્પર્શે સહું કથીર હૈયાં કંચન હો !

 બ્રહ્મનિષ્ઠ વરિષ્ઠ વડીલને, આજે સહુનાં વંદન હો…..

 

વિ – રવિ ઉપાધ્યાય

Posted in ગીત - પ્રશસ્તિ ગીત | Tagged: | 3 Comments »

શરદપૂનમની રાતે તાજમહાલ

Posted by Dr Jagdip Upadhyaya on ડિસેમ્બર 30, 2007

taj_mahal_in_march_2004.jpg

પૂનીરાતેતાહા

 

શરદપૂનમની રૂપલી રાતે તાજ તને મેં જોયો.

                        ભવ્ય, વિરાટ મુગલસ્થાપત્ય, લિહાજ અનુપમ સોહ્યો.

કુરબાનીનું કાવ્ય છે, અદભૂત શિલ્પ શુભ્ર સંગેમરમર.

પ્રીત પ્રણયનો પ્રગલ્લભ આદર્શ કલા બની સૌન્દર્ય સભર.

                   આતમ મુગ્ધ બન્યો નિરખી આજ ખરે ‘હું મોહ્યો – તાજ તને મેં જોયો

તું ઇમારત અમર – પ્રેમની,  અવિચળ યમુનાને કાંઠે.

         સ્થિર, ધીર, ગંભીર બની તું  ઉભો, અલૌકિક રસ ઘાટે

                     શાહજહાંના પ્રેમ પ્રતિકનો સાજ વૈભવી જોયો – તાજ તને મેં જોયો

કવિ : રવિ ઉપાધ્યાય રવિ, શરદપૂનમ આગ્રા, ઓક્ટોબર 1983  

Posted in ગીત - ઉર્મિ ગીત, ગીત - પ્રશસ્તિ ગીત | Leave a Comment »

તું અંબર ઉપર છાયો થઇને મેહુલ !

Posted by Dr Jagdip Upadhyaya on સપ્ટેમ્બર 30, 2007

સુરેન ઠાકર ‘મેહુલ’….

સુરેન ઠાકર ‘મેહુલ’…. ગુજરાતી સાહિત્ય જગતમાં આદરપૂર્વક લેવાતું મોટા ગજાનું નામ. લોકસાહિત્ય, સુગમ સંગીત, ડાયરા કે મુશાયરા કાર્યક્ર્મોનાં સૂત્રધાર તરીકે એમને સાંભળવાનો પણ એક અનેરો લ્હાવો છે. નિર્ધારિત સમય-સીમામાં રહી એમના કંઠેથી યથાર્થ ભાવ અને ભારથી લથબથ બોલાયેલા શબ્દોની, રમત અને રંગત માણવાનો અવસર, શ્રોતાઓ માટે એ અવિસ્મરણીય પ્રસંગ બની રહે છે. સુરેશ દલાલના શબ્દોમાં કહેવું હોય તો એમ કહેવાય કે “ મેઘાણી, મકરંદ દવે અને વેણીભાઇ પુરોહિતનું રસાયણ મેહુલ-મુદ્રા થઇ ને પ્રગટ્યું છે”. આયુષ્યના સાડા છ દાયકા પૂર્ણ કરનાર આ ‘મેહુલ’ ઉત્તર ગુજરાતની માટીની મ્હેક અને સાબરમતી પરથી વહેતા પવનની સુગંધ સાથે એક વિશ્વવ્યાપી તૃષ્ણા અને અઢળક અજંપો લઇને જીવે છે. રવિ ઉપાધ્યાય ‘રવિ’ અને સુરેન ઠાકર ‘મેહુલ’, સત્યાવીશ સાબરકાંઠા ઔદીચ્ય બ્રહ્મોદય સમાજ નામે જ્ઞાતિનાં જ્ઞાતિબંધુ. રવિભાઇ સાબરમતી નદીને પૂર્વકાંઠે વસેલ કડોલી ગામનાં અને ‘મેહુલ’ કડોલીની સામે અને પશ્ચિમ કાંઠે વસેલ ગામ ‘પેઢામલી’ના. બન્નેને એકબીજા પર અનોખો આદરભાવ. 1970ની આસપાસ આ જ્ઞાતિના ‘મેહુલ’ સહિત યુવકૉએ સર્જન યુવક સંઘની સ્થાપના કરી. રવિભાઇ સર્જન યુવક સંઘના આધ્ય ટ્રસ્ટી અને ‘મેહુલ’ આ સંસ્થાના મુખપત્ર ‘પગથાર’ના આધ્ય તંત્રી. આજથી લગભગ પંદરવર્ષ પૂર્વે સર્જન યુવક સંઘે ‘મેહુલ’ના 50 વર્ષની ઉજવણી માટે યોજેલ સત્કાર સમારંભમાં રવિભાઇએ આ કૃતિ રજૂ કરેલ.

તું અંબર ઉપર છાયો થઇને મેહુલ !

તું અંબર ઉપર છાયો થઇને મેહુલ !
તું ધરતી પર આયો થઇને મેહુલ !
તું દિશ-દિશમાં પથરાયો થઇને મેહુલ !
તું રસ-આસવ લઇ આયો થઇને મેહુલ !


તારી સર્જન પ્રતિભા ન્યારી, કેવી અદભૂત ને અલગારી !
વિદ્યોત્તેજક, સુસંસ્કારી; સહુને પ્રેરક, સહુને પ્યારી !

તું જનહૈયે જકડાયો થઇને મેહુલ !
તું અંબર ઉપર છાયો થઇને મેહુલ !
તું ધરતી ઉપર પથરાયો થઇને મેહુલ !


તારી કવિતા ને કથા-કવન, લાગે સહુને મીઠાં એ શ્રવણ !

રસબ્રહ્મનું દર્શન-પરિભ્રમણ; વળી સંગીત, સ્નેહ અને સ્વાર્પણ !

તું ‘શબ્દ-શિલ્પી’ પંકાયો, થઇને મેહુલ !
તું અંબર ઉપર છાયો થઇને મેહુલ !
તું ધરતી ઉપર પથરાયો થઇને મેહુલ !


કોકિલ કુંજન, મધુકર ગુંજન,
ઝંકાર ઝરણાં, વાયુ સ્પંદન
કદી કોઇ નવોઢાનાં ખંજન,
વીજ ચમક-દમક-કવિતા અંજન
તું વિવિધ રૂપે સુહાયો થઇને મેહુલ !

તું મેઘાણીનો ચાહક છે.
વળી લોકગીતનો ગાયક છે.
તું મુશાયરાનો નાયક છે.
તું શેર-ગઝલનો વિધાયક છે.

તું કલમ-કસબી કહેવાયો થઇને મેહુલ !
તું અંબર ઉપર છાયો થઇને મેહુલ !
તું ધરતી ઉપર પથરાયો થઇને મેહુલ !

છે ‘ગુર્જરી-ગૌરવ’ સરગમ તું
જ્ઞાતિનું રત્ન અનુપમ તું
સાથી મિત્રોનો હમદમ તું
છે ઉદાહરણ એક ઉત્તમ તું
‘માનવ્ય-મલ્હાર’ તેં ગાયો થઇને મેહુલ !

સર્જનની પગથારો વિકસે
અભિવંદન તને કરી વિલસે

તું શત શરદાયું જીવે વરસે
પ્રાર્થે સહું ઇશ આજે હર્ષે
અભિનંદન-ફૂલે પૂજાયો થઇને મેહુલ !

કવિ : રવિ ઉપાધ્યાય

Posted in ગીત - પ્રશસ્તિ ગીત | 1 Comment »

 
%d bloggers like this: