રવિ ઉપાધ્યાય – સર્જકતાનો ખજાનો

રવિ ઉપાધ્યાયે ગુજરાતી સાહિત્ય, કલા અને સાંસ્કૃતિક ક્ષેત્રે કરેલાં માતબર પ્રદાનને અવગત કરાવતો બ્લોગ

 • રવિ ઉપાધ્યાય

  RKU for skylab 2
  રવિ ઉપાધ્યાય એટલે સર્જક્તાનો છલોછલ ભરેલો ખજાનો.
  જન્મ: 26/06/1928, કડોલી ગામ, જીલ્લો: સાબરકાઠાં.
  મૃત્યુ : 08 / 02 / 2002 મુંબઇ.
  થોડાં પણ સરળ અને સચોટ શબ્દોનાં ઉપયોગથી એમણે સર્જેલ, ઘણાં વેધક અને અર્થસભર ગીત, કવિતા, ગરબા-ગરબી, નવલિકા-નવલકથા, નાટક- નૃત્યનાટિકા વગેરેના અંશો પ્રસ્તુત કરતાં આ બ્લોગમાં આપનું સ્વાગતછે.
  આપનાં પ્રતિભાવ અને સલાહ-સૂચન આવકાર્ય છે.
  સંપર્ક : ડો. જગદીપ ર. ઉપાધ્યાય.
  phone:(91) 9321031220.
  (022) 28284271,(022) 28482425.
  E Mail : drupadhyayajr@yahoo.com

 • Advertisements

Archive for the ‘ગીત – પ્રણય ગીત’ Category

દુનિયાનાં ઘડવૈયા કેરી તું…..

Posted by Dr Jagdip Upadhyaya on એપ્રિલ 19, 2008

દુનિયાનાં ઘડવૈયા કેરી તું.....

દુનિયાનાં ઘડવૈયા કેરી તું અનુપમ રચના રળિયાત,
સુંદરતાની માટીમાંથી ઘડ્યો વિધિએ તારો ઘાટ.

ઉલટસુલટ લટ શિર પર કાળાં કેશ તણી જે છાઇ છટા,
ઉમડઘૂમડ કરતાં અષાઢનાં વાદળની ઘનઘોર ઘટા,
વિંઝાતા વાયુથી પમરે પ્રેમલ પરિમલનાં પમરાટ.
સુંદરતાની માટીમાંથી ઘડ્યો વિધિએ તારો ઘાટ. 

નૈન શરાબી, ઘેન ગુલાબી, સહુનું ચેન ભૂલાવી દે,
કોઇ દિવાના દિલ પર એ જાદૂનાં તીર ચલાવી દે,
સ્નેહીને દે ઇજન-ઇશારા નૈનોના ચંચલ ચમકાટ.
 સુંદરતાની માટીમાંથી ઘડ્યો વિધિએ તારો ઘાટ. 

સુવર્ણસંધ્યા ભરતી ભાલે, ગાલે ઉષાની લાલી,
પરવાળાં શાં હોઠે છલકે પ્રેમસુધા રસીયાલી,
શશીવદન પર સ્મિત સરે જ્યમ નભ પર તારક છાંટ.
 સુંદરતાની માટીમાંથી ઘડ્યો વિધિએ તારો ઘાટ. 

વિકસીત વક્ષસ્થળ પર સોહે અંબૂજ અમૃત કુંભ સમા,
થનગન કરતી દિલની ધડકન રેલે સ્નેહલ સૂર નવાં,
મતવાલી મસ્તીમાં મ્હોર્યો માદક જોબનનો મલકાટ.
 સુંદરતાની માટીમાંથી ઘડ્યો વિધિએ તારો ઘાટ. 

કટિ તણી અટપટી કમાનો કલાભરી કમનીય બની,
નિતંબનાં નમણાં નર્તનથી અભિસારિકા સમી બની,
તાલભરેલી ચાલ મહીં લે યૌવનની અંગડાઇ અફાટ.
 સુંદરતાની માટીમાંથી ઘડ્યો વિધિએ તારો ઘાટ. 

કોઇ કવિની કલા-કવિતા, કોઇ સ્નેહીની તું સરિતા,
બજવૈયાની તું બીના, કોઇ ગાયકનો તું પ્રેમ-ગીતા,
તું કલકલ કલશોર ઝરણને, તું સાગર ગર્જન ઘૂઘવાટ.
 સુંદરતાની માટીમાંથી ઘડ્યો વિધિએ તારો ઘાટ. 

વન ઉપવનનાં પુષ્પપરાગે ફોર્યોં તારો યૌવન-બાગ,
અંગ અંગની વીણા ઉપર વાગે માદક અનંગ રાગ,
સ્નેહસુવાસે મ્હેકાવે તું સ્નેહીનાં જીવતરની વાટ.
 સુંદરતાની માટીમાંથી ઘડ્યો વિધિએ તારો ઘાટ.

કવિ : રવિ ઉપાધ્યાય (16/12/1960)
Advertisements

Posted in ગીત - પ્રણય ગીત | Leave a Comment »

તમારાં પ્રેમમિલનમાં…..

Posted by Dr Jagdip Upadhyaya on એપ્રિલ 17, 2008

મારાં   પ્રેમિમાં…..

તમારાં  પ્રેમમિલનમાં મધુર સ્વપ્નો સજાવ્યાં છે,
અગર ફૂરસદ મળે તો આવશો દિલબર નવાજી લઉં.

હ્રદયના રંગ પૂરીને પ્રતિમા મેં બનાવી છે
ઉષા સન્ધ્યાના નર્તનની નઝાકતતા સજાવી છે,
તમે આવી પૂરી ધ્યો પ્રાણ, તો હું પ્રાણ ત્યાગી દઉં.
અગર ફૂરસદ મળે તો આવશો દિલબર નવાજી લઉં.

ગગન -ધરતીએ મહોબ્બતની મિલન-દોરી દીધી સાંધી,
નિશાનાથે નિશાને નેહના પાશે લીધી  બાંધી,
નઝરોની નિગાહોંનો નશો નૈને હું આંજી દઉં
અગર ફૂરસદ મળે તો આવશો દિલબર નવાજી લઉં.

હવે ભૂલાઇ જઇ ભીતર, ગમે દુનિયા ભૂલી જાવી
ઉમરભરની  બધી હસરત, હકીકતમાં ન છો આવી. 
કરું આખર અરજ ! ઝિન્નત મહીં  દિદાર પામી લઉં
અગર ફૂરસદ મળે તો આવશો દિલબર નવાજી લઉં.

શબ્દરચયિતા * રવિ ઉપાધ્યાય (20/5/1963)

Posted in ગીત - પ્રણય ગીત | Leave a Comment »

વ્રત રે ફળે મારાં વ્હાલનાં

Posted by Dr Jagdip Upadhyaya on માર્ચ 5, 2008

vrat-re-fale-mara.jpg

વ્ર રે ળે મારાં વ્હાનાં 

વ્રત રે ફળે મારાં વ્હાલનાં
તૃપ્તિ તનમનમાં થાય
કાયાનાં કથીર કસોટી ચઢી
કંચનમાં પલટાય
એવા રે મહિમા મારાં માણિગરના તપના……
શમણાંના સંકલ્પો થાય સાકાર
આશાનાં અણસારા પામે આકાર
સોહે સોહાગ એવા પળમાં જાગી રહે
જીવતરના ઝંખ્યા ઝબકાર
એવા રે મહિમા મારાં માણિગરના તપના……
હૈયામાં નિત હેલી હેતની મંડાય
કાળજાની કોર નવલી પ્રીતથી રંગાય
સાંવરી સાંવરીયાની સૂરતે નીંતરતો
અમૃતનો આસવ પિવાય-
એવા રે મહિમા મારાં માણિગરના તપના……

ગીત – સંગીત : રવિ ઉપાધ્યાય, ‘રવિ’

Posted in ગીત - પ્રણય ગીત | Leave a Comment »

થનન…થનન… દિલ કરે થનગન

Posted by Dr Jagdip Upadhyaya on સપ્ટેમ્બર 7, 2007

થનન…થનન… દિલ કરે થનગન

અજબ જાદુભરી વાણી, પિયુ હૈયું નચાવી દે….

છૂપું એક દર્દ મીઠું આજ, અંતરીએ જગાવી દે…

થનન…થનન… દિલ કરે થનગન,

રૂમઝૂમ રૂમઝૂમ નાચે મન…

પલ પલમાં મુજ પાંપણ પરથી,

પ્રીત પરાગો પલકે…

સ્નેહભર્યા મુજ સરોવર પાળે,

મન મોરલીયો મલકે….

છાને છપને, આવી સપને

કોણ ચોરે ચિત્તવન….. રૂમઝૂમ..

ગોરાં મારાં મુખડાં પરથી,

શરમની ફોરમ ફરકે…

ઓઢું ઓઢું તોયે નટખટ,

ગવનનો ઘુંઘટ સરકે…..

પ્રીતલડીનાં તાલે ધબકે

હૈયાંની ધડકન… રૂમઝૂમ…

શબ્દરચના અને સંગીતરચના : રવિ ઉપાધ્યાય, ગાયિકા: પ્રતિભા રેલે, નૃત્યનાટિકા : “ભવ ભવનાં ભેરૂ” (1965)

Posted in ગીત - પ્રણય ગીત, ભવભવનાંભેરૂ-નાટયગીત | Leave a Comment »

તારી યાદ રે…

Posted by Dr Jagdip Upadhyaya on સપ્ટેમ્બર 7, 2007

તારી યાદ રે…

તારી યાદ રે, તારી યાદ
ફરી ફરી આમ આવશે….
મુને એટલી ખબર નો’તી (2)
તારી યાદ
કાળી કાળી રાતલડીમાં આટલું સતાવશે….
મુને એટલી ખબર નો’તી (2)
તારી યાદ

તારાં હૈયાંનું કીધું મેં મોંઘેરું મૂલ,
જાણી ફોરમ ફેકન્તું કોઇ ગુલાબનું ફૂલ
કિન્તું કોમળ ફૂલ સંગાથે કંટકો હશે …..
મુને એટલી ખબર નો’તી (2)
તારી યાદ

સ્નેહ કેરાં સરવરિયામાં અંતરનો ચાંદ દીઠો
નેહભર્યો એ કામણગારો હૈયાંને લાગે મીઠો
કિન્તું રસભર રાતલડીનું શમણું રે હશે….
મુને એટલી ખબર નો’તી (2)
તારી યાદ
શબ્દરચના અને સંગીતરચના : રવિ ઉપાધ્યાય, ગાયક: બદ્રી પવાર અને ગાયિકા: રાજુલ મહેતા, નૃત્યનાટિકા : “ભવ ભવનાં ભેરૂ” (1965)

Posted in ગીત - પ્રણય ગીત, ભવભવનાંભેરૂ-નાટયગીત | 2 Comments »

પ્રિય તું ! પ્રિય હું !

Posted by Dr Jagdip Upadhyaya on સપ્ટેમ્બર 6, 2007

પ્રિય તું ! પ્રિય હું !
પ્રિય તું પુષ્પ, હું પુષ્પસુવાસ.
પ્રેમ છલોછલ હૈયું તું, હું અવિરત શ્વાસોચ્છવાસ…. પ્રિય તું

તું ઘુઘવાટભર્યો મહેરામણ, હું ધસમસતી ભરતી,
પુનિત-પ્રવાસી તું પ્રીત પથનો, હું પદચૂમતી ધરતી…

તું ઉમંગ, હું ઉલ્લાસ
પ્રિય તું પુષ્પ, હું પુષ્પસુવાસ…
જૂગજૂગ જૂની પ્રિયજપ જપતી હું માળા, તું મણકો,
હું તાલ, તું માત્રા; શબ્દ હું, સ્વર તું; હું ઝાંઝર, તું ઝણકો.
તું વચન ‘ને હું વિશ્વાસ,
પ્રિય તું પુષ્પ, હું પુષ્પસુવાસ…

હું વેલી, તું વૃક્ષ હે પ્રિય! હું સુગંધ તું સોનું
નેહભર્યા અનિમેષ નયન તું, હું કાજળ નયનોનું,

તું દિપક ‘ને હું ઉજાસ
પ્રિય તું પુષ્પ, હું પુષ્પસુવાસ…

પ્રિય તું સત્ય, સનાતન હું; તું ગાયક, હું ગીતા,
હું મીરાં, તું માધવ હે પ્રિય!, તું રાઘવ, હું સીતા,


હું કવિતા ને તું પ્રાસ
પ્રિય તું પુષ્પ, હું પુષ્પસુવાસ…
શબ્દ અને સંગીત રચયિતા : રવિ ઉપાધ્યાય

Posted in ગીત - પ્રણય ગીત | 1 Comment »

પ્રીત મળી ગઇ….

Posted by Dr Jagdip Upadhyaya on જૂન 7, 2007

પ્રી ળી ઇ....
પ્રીત મળી ગઇ….
મને તારી
પ્રીત મળી ગઇ….
અંતરને મારે દ્વારે તું જ્યારે
સ્મિત કરી ગઇ…. મને તારી

એક પલકમાં દઇને ઝલક તું
અલક મલક ઝબકાવી ગઇ….
સપનોની સરગમ સરવાણીની-
સૂર હલક છલકાવી ગઇ…
જીવનવેલી પ્રીતિ-પરાગે
રસ-સુરભિત થઇ ગઇ…. મને તારી

દિલડાને દર્પણ મઢાઇ અવિચળ
રૂપનાં અમીજળ પાઇ ગઇ…
ઇન્દ્રધનુ અરમાનોનું થઇને
જીવન-ગગન પર છાઇ ગઇ…
મનની મોંઘી મનમાની તું
મનવાંછિત મળી ગઇ …. મને તારી


ગીત – સંગીત : રવિ ઉપાધ્યાય

Posted in ગીત - પ્રણય ગીત | Leave a Comment »

પ્રીત્યું તારી ના કળાય

Posted by Dr Jagdip Upadhyaya on જૂન 6, 2007

પ્રીત્યું તારી ના કળાય

પ્રીત્યું તારી ના કળાય
અલ્યા વાલમા
પ્રીત્યું તારી ના કળાય

પળમાં એ બિન્દુ થૈ હૈયે અટવાય
વળી પળમાં થૈ સિન્ધુ લહેરાય
અલ્યા વાલમા…. પ્રીત્યું તારી

સાત સાત સાગર ઉલેચવા છે સહેલ,
પેલું હૈયું ઉલેચવું ના સહેલ
મુઠ્ઠીમાં બંધ થાય અષાઢી વીજ
પેલા હૈયાને બંધ મુશ્કેલ
હૈયાની ધડકનમાં કોયલનો સૂર ભર્યે
સાગરગર્જન સંભળાય
અલ્યા વાલમા….. પ્રીત્યું તારી
ચાંદનીનો દોર બાંધી સૂરજ પતંગ
મૂકું, હૈયાના નભમાં વિહરવા
આયખાને રોમરોમ પ્રગટે ત્યાં રાતદિન
તેજ ને તિમિર માંડે તરવા
ઉમટે અજંપ કંપ કાયાને કાંગરે
હૈયે ધોરીનસ ચંપાય
અલ્યા વાલમા….. પ્રીત્યું તારી

ખૂંદી વળાય પેલા ગિરિવર ‘ને કંદરા
વસમી છે વ્હાલપની વાટ
જીરવી લેવાય ઘાવ સો સો તલવારના
દોહ્યલો તે દિલનો ઉચાટ
પળમાં પીવાય અમીઆસવ અખૂટ
પ્યાલી, મીરાનું વિષ ના પીવાય
અલ્યા વાલમા…. પ્રીત્યું તારી


શબ્દરચના : રવિ ઉપાધ્યાય, સંગીત : પ્રકાશ ઉપાધ્યાય

Posted in ગીત - પ્રણય ગીત | Leave a Comment »

કહે એવું તે તારામાં શું છે!

Posted by Dr Jagdip Upadhyaya on જૂન 6, 2007

******************************
++++++++++++++

કહે એવું તે તારામાં શું છે !

કહે એવું તે
તારામાં શું છે! મારામાં શું છે!
હું જોઉં જ્યાં – તું હોય જ ત્યાં
કહે – એ શું છે ?

તને નીરખી આ ચાંદો જો ને આજે પણ શરમાય
તને નીરખી એ તારલીયાની આંખો પણ મિંચાય
ધીમો સાગર તું જોને આજ ફરી ઘુઘવતો થાય
કહે …એ શું છે?..કોનામાં શું છે?… મારામાં શું છે?

તારાં સ્મિતોથી ફુલડાં જો ને આજે ક્યાં વેરાય
સારી આલમ સુવાસોથી આ આજે શું ઉભરાય
તારા નયનોમાં મારું આજ અને દર્પણ દેખાય
કહે …એ શું છે?..કોનામાં શું છે?… તારામાં શું છે?
કહે …એ શું છે?..કોનામાં શું છે?… તારામાં શું છે?

શબ્દરચના : રવિ ઉપાધ્યાય, સંગીત : નવીન શાહ, ગાયિકા : રેખા ત્રિવેદી, ‘ શનમ શોખીન’ ઓડીયો કેસેટમાં ધ્વનીમુદ્રિત
++++++++++

Posted in ગીત - પ્રણય ગીત | Leave a Comment »

નભથી ઝરમર મેહ ઝરે

Posted by Dr Jagdip Upadhyaya on મે 28, 2007

થી મે રે

નભથી ઝરમર મેહ ઝરે
તવ આંખડીથી ઝરે નેહ અખિલ
એકથી ભીંજાય દેહ મારો… ને
બીજે ભીંજાતું … દિલ…!
શીતળ વાયુ સાજે બાજે રીમઝીમ રાગની ધૂન
વ્હાલ-વીણા તવ રણકે ઝણકે માદક ને મંજૂલ!
મેહનાં ઉડે વાદળ-ગુલાલ, નેહનાં પ્રીત અબીલ
એકથી ભીંજાય દેહ મારો ને બીજે ભીંજાતું … દિલ…!
ગોરાં ગોરાં ફોરાં વાગે, અંગ કરે થથરાટ
નેહ-નજરનાં શરથી જાગે તનમનમાં તલસાટ
મેહ બને છે મત્તમદીરા, નેહ નશીલી મ્હેફીલ
એકથી ભીંજાય દેહ મારો ને બીજે ભીંજાતું … દિલ…!
મેહની પીડા શીતળ લાગે પળભરમાં વિસરાય
નેહ અગનનો છૂપો જખમ અંતલગી ના રૂઝાય
મેહ આભૂષણ વીજલ અંબર, નેહનું ભૂષણ શીલ
એકથી ભીંજાય દેહ મારો ને બીજે ભીંજાતું … દિલ…!

ગીત તથા સંગીત : રવિ ઉપાધ્યાય

Posted in ગીત - પ્રણય ગીત | Leave a Comment »

ગીત છું હું પ્રીતનું…..

Posted by Dr Jagdip Upadhyaya on મે 26, 2007

ગી છું હું પ્રીનું….

ગીત છું હું પ્રીતનું, ગીતનો તું સૂર છે
બેઉં મળતાં જીન્દગાની, આપણી સુમધુર છે…. !

હોઠપ્યાલી લાખફૂલના, આસવોનો અર્ક છે
ગાલ લાલી લાખ-ગુલ,સૌન્દર્યનો સંપર્ક છે.

નેહભીની હું નજર છું,તું નજરનું નૂર છે
બેઉં મળતાં જીન્દગાની, આપણી સુમધુર છે…. !

શ્વાસની સરગમ મહીં, એક મિલનની ધડકન ભરી
ઉરને આંગણ મન-મયૂરો નાચતા થનગન કરી

પ્રેમ-પથનો હું પ્રવાસી, તું ભૂમિ-અંકુર છે
બેઉં મળતાં જીન્દગાની, આપણી સુમધુર છે…. !

શબ્દરચના: રવિ ઉપાધ્યાય, સંગીતકાર: પ્રકાશ ઉપાધ્યાય, સ્વર : પ્રકાશ ઉપાધ્યાય અને કેતના શાહ

Posted in ગીત - પ્રણય ગીત | Leave a Comment »

 
%d bloggers like this: