રવિ ઉપાધ્યાય – સર્જકતાનો ખજાનો

રવિ ઉપાધ્યાયે ગુજરાતી સાહિત્ય, કલા અને સાંસ્કૃતિક ક્ષેત્રે કરેલાં માતબર પ્રદાનને અવગત કરાવતો બ્લોગ

 • રવિ ઉપાધ્યાય

  RKU for skylab 2
  રવિ ઉપાધ્યાય એટલે સર્જક્તાનો છલોછલ ભરેલો ખજાનો.
  જન્મ: 26/06/1928, કડોલી ગામ, જીલ્લો: સાબરકાઠાં.
  મૃત્યુ : 08 / 02 / 2002 મુંબઇ.
  થોડાં પણ સરળ અને સચોટ શબ્દોનાં ઉપયોગથી એમણે સર્જેલ, ઘણાં વેધક અને અર્થસભર ગીત, કવિતા, ગરબા-ગરબી, નવલિકા-નવલકથા, નાટક- નૃત્યનાટિકા વગેરેના અંશો પ્રસ્તુત કરતાં આ બ્લોગમાં આપનું સ્વાગતછે.
  આપનાં પ્રતિભાવ અને સલાહ-સૂચન આવકાર્ય છે.
  સંપર્ક : ડો. જગદીપ ર. ઉપાધ્યાય.
  phone:(91) 9321031220.
  (022) 28284271,(022) 28482425.
  E Mail : drupadhyayajr@yahoo.com

 • Advertisements

Archive for the ‘ગીત – અંજલી ગીત’ Category

અનિલકુમાર ગિરજાશંકર ભટ્ટ

Posted by Dr Jagdip Upadhyaya on ફેબ્રુવારી 12, 2009

 
anil-bhatt

અનિલકુમાર ગિરજાશંકર ભટ્ટ

 તારીખ 12 ફેબ્રુઆરી 1935ના દિવસે જન્મેલ ( અર્થાત આજે 12/02/2009 ના રોજ એમણે 74 વર્ષ પૂરાં કરી 75માં વર્ષમાં પ્રવેશ કર્યો હોત)  અને ફક્ત 45 વર્ષની વયે તારીખ 16 સપ્ટેમ્બર 1980નાં દિવસે ડાયાબિટીસ અને એના કોમ્પ્લીકેસનસને લીધે દેવલોક પામેલ અનિલકુમાર ગિરજાશંકર ભટ્ટ મારાં મામા થાય. મુંબઇની કાલબાદેવી પર આવેલ આર્યનિવાસ લોજનાં તેઓ એક  ભાગીદાર. એમનાં મૃત્યુ પ્રસંગે પિતાશ્રી કવિ રવિ ઉપાધ્યાયે રચેલ આ શ્રધ્ધાંજલિ કાવ્ય આજે હાથ લાગ્યું…. અને એમની યાદ તાજી થઇ ગઇ. તેઓ ખૂબ જ વૈશિષ્ટપૂર્વકનું વ્યક્તિત્વ ધરાવનાર, મિતભાષી અને નીરાડંબી. નાનપણથી જ ફૂલગલીના માતાજીની ગરબીના ચોકમાં, માતાજીના પ્રેમરસમાં તરબોળ થઇ, તબલાનાં તાને અને નાદે મસ્ત ભક્તિનું વાતાવરણ જમાવી દેતાં. સત્તાવીસ સાબરકાંઠા ઔદિચ્ય બ્રાહ્મણ નવદૂર્ગા મંડળના નેજા એઠળ કવિ રવિ ઉપાધ્યાયની અમરરચના-ગરબી “રૂમઝૂમ પગલે ચાલ્યાં મા જગજનની જગદંબા” આઇ.એન.ટી ગરબારાસ હરિફાઇમાં 1954માં વિજયી બની. આ વિજયમાં તેમની પ્રેક્ષકોને તબલાની તાલે એક રસ કરી મૂકવાની ક્ષમતાનો ફાળો નાનોસૂનો નહોતો. ફૂલગલીમાં અનેક વર્ષો સુધી આસોની એકમથી પૂનમની માવડીની વિદાય સુધી ગવાતી ગરબીઓને એમનાં તબલાનાં તાલની સંગતે સહુ ભાવિકોને અલૌકિક ભક્તિભાવની પ્રતિતિ કરાવી હતી. વર્ણમ સંસ્થાના ( સંગીતકાર ) નવીન શાહ, કવિ ધનજીભાઇ પટેલ ‘ આનંદ’ (.”… એવો પ્રભુ બનાવ્યો શા માટે ?”), મિમિક્રી આર્ટીસ્ટ કાંતી પટેલ જેવાં કલાકારો જ્યારે પણ આપણને મળે ત્યારે અનિલમામાની યાદ તાજી કરતાં. ઓછું બોલતાં પણ મુદ્દ્દાસરનું બોલતા. શબ્દોનો પ્રાસ મેળવી જવાબ આપવાની એમની લાક્ષણિકતા અજોડ હતી.
ડો. જગદીપ ર. ઉપાધ્યાય.

ધ્યાન્હે તો એક સૂરજ આથમ્યો.

મધ્યાન્હે તપતો એક સૂરજ આથમ્યો

ધોમ ધૂપમાં વિલાયું સૂરજમુખી –

મઝધારે સાગર જાણે સુકાઇ ગયો –

મધ્યાન્હે તપતો એક સૂરજ આથમ્યો……. 

અલગારી પ્રકૃતિનો એક આદમી,

પ્રકૃતિને પ્રિય અંક પોઢી ગયો !

મધરાતે પૂનમનો  ચંદ્ર શમી ગયો !

 મધ્યાન્હે તપતો એક સૂરજ આથમ્યો…. ..2 

શાંત, નિખાલસ, નિરાડંબી, મિતભાષી,

સૌનો ચાહક, કળા કુશળ ને ઉલ્લાસી,

ધરતીને પેટાળે જાણે મહાવીજ પ્રપાત થયો,

મધ્યાન્હે તપતો એક સૂરજ આથમ્યો…. ..

ભરયૌવનમાં અણધારી જીવનલીલા સંકેલી

વિધિએ આ તે કેવી વક્રગતિ આંકેલી ?

જલતા જ્વાળામુખી ફાટ્યા પ્રચંડ ઝંઝાવત થયો ?

મધ્યાન્હે તપતો એક સૂરજ આથમ્યો…….4

શોકાશ્રુના મહાસાગરમાં સ્વજન સહુ યે ડૂબ્યાં

યાદી કેરા અતાગ-વનમાં ખૂબ જ ઉંડે ખૂપ્યાં !

સૌનાં હૈયાંની ધડકનનો એક તાલ ખોવાઇ ગયો !

 મધ્યાન્હે તપતો એક સૂરજ આથમ્યો…….. ..5 

હે ! મહાકાળ ! શરણ તમ આવ્યો પવિતર આત્મા

મંગલમુક્તિ દ્વાર ઉઘાડો, દેજો શાશ્વત-શાતા

આજ હજારો હૈયાંનો એક પુનિત પ્રાર્થના સૂર ઉઠ્યો

 મધ્યાન્હે તપતો એક સૂરજ આથમ્યો……..6

રવિ ઉપાધ્યાય ( 1980 )

Advertisements

Posted in ગીત - અંજલી ગીત | 3 Comments »

પિતા મુક્તિના

Posted by Dr Jagdip Upadhyaya on ઓક્ટોબર 2, 2008પિતા મુક્તિના

તૂટી અતૂટ શૃંખલા, દૂર થયાં પીડા-બન્ધનો !

વિદેશી ધ્વજ ઉતર્યો, ફરક્યો ત્રિરંગી નવો !

ગુલામી-દીપ ઓલવ્યા, તિમિર-ઘોર ટાળ્યું કાળું !

દિવા - અબૂઝ - મુક્તિના, તિમિર-રાહ પે ચેતવ્યાં

અભેદ બજી નૌબતો, દિશદિશે ગીતો મુક્તિના-

ગવાઇ, રસછોળ આનંદની ઉડી રહી મહા !

તરું નવ ફૂલે ફલે, યદિ ન સિંચનો વારિનાં,

અને ન પૂરણાહૂતિ, બલિ ન યજ્ઞમાં હોમવા,

અહા ! તરું સ્વતંત્રતા તણુંય માગતું સિંચનો -

રુધિર-જલનાં, ફૂલો અરપવા મહા મુક્તિનાં,

શહિદ-બલિ મુક્તિના હવનમાં સમર્પ્યા વિના -

મળે પુનિત શ્રેય - સૌરભ નહીં, ન વા સિધ્ધિ કૈં !

રહો અમર બાપુ હે ! બલિ મહા ! પિતા મુક્તિના !

દીધેલ તવ મુક્તિમંત્ર અમ અંતરે ગુંજજો......

 

કવિ - રવિ ઉપાધ્યાય  ( ઉરના સૂર કાવ્યસંગ્રહમાંથી)

Posted in ગીત - અંજલી ગીત | Tagged: , | Leave a Comment »

શ્રદ્ધાંજલિ યોગાત્માને

Posted by Dr Jagdip Upadhyaya on ફેબ્રુવારી 5, 2008

slide2.jpg 

આજે બાપુજી (રવિ ઉપાધ્યાય)ના જૂના સાહિત્ય સંગ્રહમાંથી પરિમલ નાથાલાલ ભટ્ટના મૃત્યુ માટે લખેલ આ એક અંજલિકાવ્ય હાથ લાગ્યું.પરિમલ નાથાલાલ ભટ્ટ એ મારાં મામા. તેઓ મારાં માતુશ્રી ઉષાબેનના પિતરાઇ ભાઇ. એમનું  મૂળ વતન : ગામ આગલોડ, તાલુકો : વિજાપુર, જીલ્લો : મહેસાણા. આ એક અલગારી, નિરાળો સૂફી સંત જેવો જીવ. સંસારમાં રહીને પણ આ  દુન્વયી ઝંઝાળથી પર. મુંબઇમાં  લોજની માલિકીમાં વારસાગત ભાગીદારી એટલે આમજનતાની તોલે ધની ખરાં પણ સાથે સાથે ધૂની પણ ખરાં. 1940ની આસપાસ કિશોરાવસ્થામાં ઘરે જણાવ્યા વગર તેઓ ફૌજમાં ભરતી થયાં હતાં અને પછી લાહોરમાં posting થઇ હતી. એમના વડિલોએ મહામુશીબતે ત્યાંથી છોડાવ્યાં હતાં. ગામ જવા નીકળેલા એમને તમે  મુંબઇ સેંટ્રલ સ્ટેશને વિદાઇ આપી હોય પણ એનું મન ન માને તો બોરીવલી આવે ત્યારે ઉતરી પણ પડે.  વાંચનનો જબરો  શોખ. તમને આજુબાજુ ક્યાંય એ દેખાતા ન હોય અને એમને શોધવા હોય તો એ બ્રિટીશ લાઇબ્રેરી કે અમેરિકન કાઉંસીલેટની લાઇબ્રેરીમાં અચૂક મળી જાય. સુભાષચંદ્ર બોઝ અને મહર્ષિ અરવિંદના વ્યક્તિત્વથી પ્રભાવિત. મહાગુજરાતની ચળવળમાં તેઓ એક અગ્રણી રાજકીય નેતા તરીકે પ્રસ્થાપિત થયાં. ગુજરાતી નાટકો અને ખાસ કરીને દેશી નાટક સમાજ દ્વારા ભાંગવાડીમાં ભજવાતા નાટકોના પણ તેઓ જબરાં શોખીન.
 આ માણસ 1983ના…….. એક દિવસે રોજની જેમ ઉઠે છે. દેશી નાટક સમાજના ઐતિહાસીક નાટ્કોનાં ફિલસૂભી ભર્યા સંવાદો બોલે છે. માતાજીના  ગરબાં અને સ્તુતિ ગાય છે. પ્રસાદ વ્હેંચે છે. નાટકનાં શોખીન જીવની આ ચેષ્ઠા ઘરવાળાઓને પણ શરૂઆતમાં ખાસ અજૂગતી ન લાગી. પછી ચેક બુક કાઢી કોરાં ચેક પર સાઇન કરતાં કહે છે ” તમને તાત્કાલિક તકલીફ ન પડે એટ્લે આ sign કરી રાખું છું” અને અટ્ટહાસ કરતાં બોલે છે….” P.N. Bhatt is No more still he is signing the cheque !!!!!…..”  આ યોગાત્મા પછી ઘરવાળાં સહુંની વિદાય માગેં છે અને એમનાં માતા કાંતાબાને પગે પડે છે અને કહે છે કે હું જાઉં છું માતાજી આ બારીમા મારી રાહ જુએ છે. આટલું કહી જમીન પર સૂઇ જાય છે અને ચીર નિદ્રામાં પોઢી અનંતની યાત્રાએ નીકળી પડે છે……..
 એક સનાતન સત્ય છે કે જે જન્મે છે એનું મૃત્યું આજે હોય કે કાલે, પણ નક્કી જ હોય છે. ક્યાં સ્થળે, કયા રૂપે કે કયા સંજોગોમાં આવશે એ આપણને ખબર હોતી નથી. આ ઘટના આપણને ‘મૃત્યુ’ વિશે વિચાર કરતાં મૂકી દે છે .
 • – શું અમુક મરનાર માણસને મૃત્યુનો ભાસ થઇ જતો હોય છે? (Premonitation . કારતક સુદ અગિયારસ એટલે દેવ ઉઠી અગિયારસે મરણ પામેલ મારાં માતુશ્રી ઉષાબેન તો દિવાળીનાં છેલ્લા દિવસોથી જ દેવ ઉઠી અગિયારસ ક્યારે અને ક્યા વારે આવવાની છે એની પૃચ્છા એમની ખબર કાઢવાં આવનાર સંબંધીઓને કરતાં)
 • – શું આંતરીક આધ્યાત્મિક બળ કે / યોગશક્તિથી ( ? autonomic nervous system control) મૃત્યું રોકી પાછળ ઠેલી કે ટાળી શકાય?
 • – મૃત્યું એટલે શું ? (Heart stoppage ? / Brain Death ? )
 • – અહીં કઇ ઘડીને મૃત્યુની ઘડી માનવી?
– ડો. જગદીપ ર. ઉપાધ્યાય

પ્રસ્તુત છે  આ યોગાત્મા પરિમલ ભટ્ટને શ્રદ્ધાંજલિ અર્પતું રવિ ઉપાધ્યાય રચિત આ અંજલિગીત

શ્રદ્ધાંલિ યોગાત્માને

હે મોત તું ને આવડ્યું ના મારતાં, જીન્દગી તારા ઉપર જીતી ગઇ……

ફિલસુફિ યુગોની વજ્રઘાત શી એક પળમાં મીણ થૈ પીગળી ગઇ…..

જન્મ લીધો ધન્ય માતાની કૂખે, કૂળ, કીર્તિ શાખ ઉજાળી દીધી;

માનવી થઇ માનવીના અર્થમાં, વાહ માનવતા ! તું યે મ્હેંકી ઉઠી……

વારસો આધ્યાત્મ સંસ્કારોંનો પામ્યા પિતૃથી, રાષ્ટ્રના ઉત્થાનની ગાઇ સદા ક્રાંતિ-સ્તુતિ;

લોકહિતચિંતક બન્યાં ને લોક સેવા આદરી, જ્યોત આદર્શોની ઉજ્જવલ આજ પણ જલતી રહી..

જળકમળવત જીન્દગી જીવી ગયાં, આળ પંપાળોની ના ભીતિ રહી;

સત્ય, શીલ, ઉત્ક્રાંતિની એ જીન્દગી, કોઇ ભીષણતા ન મૃત્યુની ટકી શકી……

ના હતો કોઇ ક્ષોભ એ આખર પળે, ના હતી કોઇ લોભની જીજીવિષા;

ધન્યતા દેવા તને પળમાં મહા, ગુઢ સંકેતોથી સંકેલી લીધી…….

લેશ ના સ્પૃહા સદા હૈયે ઉદારતા હતી, વેર ના અસૂયા, નિખાલસતા હ્તી;

ચીર: નિદ્રામાં સૂતેલા શક્તિપુત્ર સમાધી પર, હાય વિધાતા ! તું યે રોઇ પડી………

દ્વાર દશ ખુલ્લા થયાં દિકપાળનાં, વૃષ્ટિ થૈ અમૃત – સ્તોત્ર નિ:સર્ગથી !

જ્યોત યોગાત્માના પાર્થિવ દેહની, પાર ભૂતલ ભાસ્કરોમાં ભળી ગઇ ……..!

વેદ, ગીતા, શાસ્ત્ર, બાઇબલ કે કુરાન,  કૃષ્ણ, ક્રાઇષ્ટ્ , બુદ્ધ, અલ્લાહ સહુ સમાન;

પ્રકૃતિની શાશ્વતી ઉર્ધ્વ -ચેતના, વિશ્વની વિરાટ વ્યાપકતા વિશે મળી ગઇ……..

મુક્તિના પંથે પળ્યો યોગી સૂણીને સત્યસાદ, પ્રેમનો ” પરિમલ” વહાવી અંતરીક્ષેથી અજ્ઞાત;

કાર્ય કરવા પૂર્ણ સૌ દૃઢ મનોસંકલ્પથી, આજ માનવમેદની શ્રદ્ધાંજલિ અર્પી રહી……

કવિ, રવિ ઉપાધ્યાય, ‘રવિ’

Posted in ગીત - અંજલી ગીત | Tagged: | 1 Comment »

યુગપિતા બાપુને….

Posted by Dr Jagdip Upadhyaya on ઓક્ટોબર 2, 2007

2જી ઓક્ટોબર એ આપણાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિનો દિવસ. ગાંધીજી 1948માં શહીદ થયાં. એ અરસાનાં સમયમાં રચાયેલું, ગાંધીજીની દેશમાટેની કુરબાની ગાથા ગાતું અને એમના અધૂરાં સ્વપનોને પૂરાં કરવાનું વચનપૂર્તિ આપતું રવિ ઉપાધ્યાય ‘રવિ’નું આ ગીત ગાંધીજયંતિ નિમિત્તે ખાસ…..
યુપિતા બાપુને….
જલાવ્યો તેં મુક્તિ-દિપ હરી ગુલામી-તિમિર ને,
વહાવી આત્માનો ઉદધિ, અમૂલાં પ્રેમ-કવનો-
ભણાવ્યા તેં મંત્રો પુનિત કુરબાની નિજ દઇ,
રચ્યા મુક્તિ કેરા અમર – ઇતિહાસો યુગ યુગે !
કીધી ના તારી કૈં કદર જગના પામર જને !
ગુમાવી મોઘેંરુ રતન, નિજ હાથે જતું કરી –
હવે સંતાપે સહું, અનલ પ્રગટાવી નિજ ગૃહે !
રડે આજે હૈયાં, જખમ સહતાં – કૃત્ય નિજનાં !
દિશે દિશા તારાં સ્મરણ – ગીત આજે ગજવતી !
યુગોની નિકુંજો તવ સ્મરણ – ફૂલે મહકતી…
ચીરાયેલું હૈયું ધરણી તણું નિ:શ્વાસ ઝરતું !
ભરે માતૃભોમ, તવ વિરહનાં અશ્રુ ડૂસકાં !

હવે સંતાપી ના, તવ ઋણ કદી ટાળી શકીએ !
અધૂરાં સ્વપનોની મજલ કરીએ પૂર્ણ – બસ તો !

કવિ : રવિ ઉપાધ્યાય

Posted in ગીત - અંજલી ગીત | 1 Comment »

 
%d bloggers like this: