રવિ ઉપાધ્યાય – સર્જકતાનો ખજાનો

રવિ ઉપાધ્યાયે ગુજરાતી સાહિત્ય, કલા અને સાંસ્કૃતિક ક્ષેત્રે કરેલાં માતબર પ્રદાનને અવગત કરાવતો બ્લોગ

 • રવિ ઉપાધ્યાય

  RKU for skylab 2
  રવિ ઉપાધ્યાય એટલે સર્જક્તાનો છલોછલ ભરેલો ખજાનો.
  જન્મ: 26/06/1928, કડોલી ગામ, જીલ્લો: સાબરકાઠાં.
  મૃત્યુ : 08 / 02 / 2002 મુંબઇ.
  થોડાં પણ સરળ અને સચોટ શબ્દોનાં ઉપયોગથી એમણે સર્જેલ, ઘણાં વેધક અને અર્થસભર ગીત, કવિતા, ગરબા-ગરબી, નવલિકા-નવલકથા, નાટક- નૃત્યનાટિકા વગેરેના અંશો પ્રસ્તુત કરતાં આ બ્લોગમાં આપનું સ્વાગતછે.
  આપનાં પ્રતિભાવ અને સલાહ-સૂચન આવકાર્ય છે.
  સંપર્ક : ડો. જગદીપ ર. ઉપાધ્યાય.
  phone:(91) 9321031220.
  (022) 28284271,(022) 28482425.
  E Mail : drupadhyayajr@yahoo.com

 • Advertisements

Archive for the ‘ગરબો / ગરબી’ Category

ગરબો નવરાતનો

Posted by Dr Jagdip Upadhyaya on ઓક્ટોબર 5, 2008

 બો રાનો

(રાગ - લોકગીત -ઢાળ, તાલ - દાદરા)

ચેતનની ચંદ્રિકાઓ ચમકે,

અનંત-જ્યોત ઝબકે,

               રે..... ઘૂમે ગરબો નવરાતનો.....ગરબો નવરાતનો..... 1

નભની નિહારિકાને હાટે,

વિરાટ-વ્યોમ વાટે,

              રે..... ઘૂમે ગરબો નવરાતનો.....ગરબો નવરાતનો..... 2
ધખધખતી ધરતી હૈયે હેમંત થઇ,

વર્ષા હરસી વરસી તરસી દિગંત મહીં,

અંબર અટારીઓને લીંપી,

શરદ શુભ્ર દીપી,

           રે.... ઘૂમે ગરબો નવરાતનો.....ગરબો નવરાતનો..... 3

વનવનને ઉપવનમાં વિકસે કૈં વલ્લરિ,

મંદમંદ સુગંધ વહે બંધ પુષ્પની કળી,

અવનિની ઓઢણી રંગાતી,

મસ્તીમાં મદમાતી,

            રે..... ઘૂમે ગરબો નવરાતનો.....ગરબો નવરાતનો..... 4

યુગમાતા અંબા ગરબે રમવા આવતાં,

મંગલ ૐકાર તણા ઝંકાર જગાવતાં,

ગરબા, ગાયત્રી, છંદ ગાતાં

હવન .... હોમ.... થાતાં,

            રે..... ઘૂમે ગરબો નવરાતનો.....ગરબો નવરાતનો..... 5

આતમનાં ઓજસ પરમાતમને પ્રેરતાં,

અંતરના જંતર મધુર સૂર રેલતાં,

આશાના ઓથ અવિનાશી,

રેલાય .... રંગ રાશિ,

            રે..... ઘૂમે ગરબો નવરાતનો.....ગરબો નવરાતનો..... 6

મનના મનોરથની મંજરીઓ મ્હોરતી,

કુંજ કુંજ જીન્દગીને રસવસંત ફોરતી,

ભક્તિ-ગંગાના નીરે ન્હાતાં,

            રે..... ઘૂમે ગરબો નવરાતનો.....ગરબો નવરાતનો..... 7

 

કવિ – રવિ ઉપાધ્યાય,

( ઉરના સૂર અને નવરાત્ર નિર્ઝરિણિમાં પ્રકાશિત)

 

Advertisements

Posted in ગરબો / ગરબી, ગીત - અંબાભક્તિ | Tagged: | 1 Comment »

રંગભરી રંગભરી આજ દીઠીમેં

Posted by Dr Jagdip Upadhyaya on સપ્ટેમ્બર 29, 2008

રંરી રંરી દીઠીમેં

(ઝટ જાઓ, ચંદનહાર લાવો – એ રાહે)

રંગભરી રંગભરી આજ દીઠીમેં માજીની આંખ,

એની પાપણનો પાવક પમરાટ, પમરાવે જીવનની વાટ. – રંગભરી

અંગે ઓઢી છે માએ નવરંગી ચૂંદડી,

ગરબો લૈ શીર પર ફરે ફેર ફૂંદડી,

અમી વત્સલની રેલાવે ધાર….દીઠી મેં માજીની આંખ. – રંગભરી

ચળકંતા ચંદ્ર તણો ભાલે છે ચાંદલો,

નાકે નથણીનું નંગ નભનો છે તારલો,

સૂર્ય સોહે થૈ શીર તણો તાજ….દીઠી મેં માજીની આંખ. – રંગભરી

સ્નેહલ સુવાસ ભર્યું સ્મિત મીઠું ઓપતું,

યુગના કલ્યાણ કેરું ગીત દિવ્ય ગુંજતું,

મુખે મનહર મધુરો મલકાટ….દીઠી મેં માજીની આંખ. – રંગભરી

કુમકુમ વેરાય માની પાવક પાવડીએ

પાવન બનાવી સારી અવનિ માવડીએ,

તેજ તેજનાં જગાવે અંબાર….દીઠી મેં માજીની આંખ. – રંગભરી

સંકટ સમયે માએ સૂરોને તાર્યાં,

ધરતીને ખંડ ખંડ પાપીઓને માર્યા,

એની વાગી વિરાટ વ્યોમ હાક….દીઠી મેં માજીની આંખ. – રંગભરી

અવનિના લોક તારી ઉતારે આરતી,

સ્નેહે સ્મરીને તારી પૂજે સૌ પાવડી,

જાય જીવનની નાવ પેલે પાર….દીઠી મેં માજીની આંખ. – રંગભરી

રંગભરી રંગભરી આજ દીઠી મેં માજીની આંખ,

એની પાંપણનો પાવક પમરાટ, પમરાવે જીવનની વાટ.

કવિ – રવિ ઉપાધ્યાય ( તારીખ – 17/1/1951)

Posted in ગરબો / ગરબી, ગીત - અંબાભક્તિ | Tagged: , , , | Leave a Comment »

નવરાત્રિ આવી રસ નિરઝરતી

Posted by Dr Jagdip Upadhyaya on ઓક્ટોબર 12, 2007

રાત્રિ વી નિતી
નવરાત્રિ આવી રસ નિરઝરતી…
જીવન-જાગૃતિ જ્યોતિ ઝગમગતી……, નવરાત્રિ…

શીતલ શરદનો શશિયર ચમકે;
મોહક મલય સમીરણ છલકે,
પ્રીતિ કેરાં પાનેતરમાં સોહે પ્રકૃતિ….. નવરાત્રિ…

ચાચર ચોકે નરનારી આવે
મંગળ ગરબાની ધૂમ મચાવે
હસી હસી દેતાં તાલી મતવાલી…. નવરાત્રિ…

આરાસુરેથી મા અંબિકા આવે
બહુચર બાળી દયાળીને લાવે
ગરબે ઘૂમે છે માડી ગુણવંતી … નવરાત્રિ…

કનકનો ગરબો શિર પર શોભે
દિવ્ય દીપકની જ્યોતિ ઓપે
મંડપની શોભા દીસે સ્વર્ગ સરખી…. નવરાત્રિ…

ઝનનન ઝનનન ઝાંઝર ઝણકે
રત્નજડિત કર કંકણ રણકે
ચૂંદડીએ ચૂવે ચંદા ચમકંતી…. નવરાત્રિ…

બ્રહ્મા ને વિષ્ણુ માના દર્શને આવે
ઇશ મહેશ માને શિષ નમાવે
નારદ-શારદ-વીણા મૃદુ બજતી …. નવરાત્રિ…


જે જન જનનીને નિશદિન જપતા
શુદ્ધ હ્રદયથી માજીને ભજતા
શક્તિની ભક્તિથી ભવ મુક્તિ મળતી…. નવરાત્રિ…

કવિ : રવિ ઉપાધ્યાય

Posted in ગરબો / ગરબી | Leave a Comment »

આવી નોરતાંની રાત….

Posted by Dr Jagdip Upadhyaya on ઓક્ટોબર 11, 2007

આવી નોરતાંની રાત….
( રાગ : મિશ્ર ભૈરવી, તાલ : કહરવા )
સરખી સહિયરોને સાથ,
દૈને તાલીભર્યાં હાથ…..
ગરબે રમતાં અંબે માત,
આવી નોરતાંની રાત…. (2) ટેક
નભમાં ચાંદલીયો મલકાય,
આજે અવનિ તો હરખાય
અંગે રંગ ઉમંગ રેલાય,
આવી નોરતાંની રાત… (2) ટેક 1
માના કુમકુમ પગલે પગલે પાવન અવનિ આજે થાય,
રૂપ સ્વરૂપે દર્શન દિવ્યે ભવભવનાં પાતક ધોવાય.
ઉમટે આજે થોકે થોક,
દર્શન કરવાને સૌ લોક,
દુ:ખડાં સઘળાં થાય અલોપ,
આવી નોરતાંની રાત..(2) ટેક 2


માનાં મનહર મુખડેથી આશિષોનાં અમૃત રેલાંય,
શ્રાંત, શ્રમિત ને શોષિતોનાં જીવન સૌ સંજીવન થાય.
માનાં પૂજન અર્ચન થાય,
ચાચર ચોકે નર્તન થાય,
જનગણ મંગલ ગીતડાં ગાય,
આવી નોરતાંની રાત.(2) ટેક 3


માની વત્સલ વીણા વાગે વરસાવે સંગીત ધારા,
હર્ષ તણાં પૂર ઉરઉરમાં ચકચૂર બનીને ઉભરાતાં
કોટિ ચંદ્રરવિનાં તેજ,
માના નૈનોમાંહી સતેજ,
માને વંદે સહું પરમેશ,
આવી નોરતાંની રાત… (2) ટેક 4
માની પાવન દ્રષ્ટિની વૃષ્ટિ સારી સૃષ્ટિ પર થાય,
જળમાં, સ્થળમાં, જડચેતનમાં પ્રાણ પૂરી દેતી મહમાંય,
માના પાયે નામે શીશ,
માંગે બાળ’રવિ’ આશિષ,
તેજે ભર મા જીવન-દિશ,
આવી નોરતાંની રાત,,, (2) ટેક 5

કવિ : રવિ ઉપાધ્યાય

Posted in ગરબો / ગરબી | Leave a Comment »

મારાં પિયરને પાદરીયે…

Posted by Dr Jagdip Upadhyaya on મે 26, 2007

મારાં પિને પારીયે રે…..

મારાં પિયરને પાદરીયે રે……ફૂલ્યો ફાલ્યો પીંપળો…
કૈં વર્ષોથી એ તો ઉભો રે…ફૂલ્યો ફાલ્યો પીંપળો…

ગામના તમામ પાપ પુણ્ય તણાં કામ એના દરિયાવ દિલમાં સંઘરતો
જીરણ થઇ કાયા તોયે મમતાળુ માયાથી છાયા શીતળ સહુને ધરતો…
એતો જીવતો ને જાગતો જોતો રે..પલ્ટાતા યુગનાંપરિબળો..મારાં પિયરને


કોડભરી કન્યા ચોખા ચંદન ચડાવતી, વંદન કરીને એની આરતી ઉતારતી
મનનો માન્યો મેળવવા માનતાઓ માનતી, ભાવના ભક્તિથી નિર્મળ જળ રે ચડાવતી.
એ તો મુંગા આશિષ દઇ મલપતો રે… ઉઘાડી અંતરનો આગળો….. મારાં પિયરને

ડોલંતી ડાળ પર થઇને અસવાર નિત છેડે ગોવાળબાળ બંસરીના સૂર
સહિયરને સાથ રૂડી અજવાળી રાત રાસ રમતી ગોરી ચકોરી ચતુર
રાસ જોતાં જુવાન એના ચોકમાં રે, કોઇ ગોરોને કોઇ શ્યામળો….. મારાં
પિયરને

ગોળ ગોળ આંટી વીંટી કાચા રે સુતરની, કોઇ નારી આંટીઘૂંટી ઉકેલે અંતરની
દેતાં રે જનોઇયું કરવા જાતર જીવતરની, થાતી રે ઉજાણી લ્હાણી નવતર અવસરની
તેજ તપનાં વેરીને ઓપતો રે… વૈરાગી યોગી શો ઉજળો…… મારાં પિયરને


ગીત – સંગીત : રવિ ઉપાધ્યાય,
” ભવ ભવનાં ભેરૂ” નૃત્યનાટિકા (1965)માં તથા કોટ હિન્દુ સ્ત્રી મંડળ, પ્રેરણા મંડંળ જેવી અનેક સાંસ્કૃતિક મંડ્ળો અને શાળાઓ-કોલેજોની ગરબા સ્પર્ધાઓમાં સ્ટેજ પર 1960નાં દાયકામાં ભજવાયેલ.

Posted in ગરબો / ગરબી, ભવભવનાંભેરૂ-નાટયગીત | Leave a Comment »

રૂમઝૂમ પગલે ચાલ્યાં મા

Posted by Dr Jagdip Upadhyaya on મે 17, 2007

રૂમઝૂમ પગલે ચાલ્યાં મા
રૂમઝૂમ પગલે ચાલ્યાં મા જગજનની જગદંબા…. (2)
અંગે અંગે નવલ ઊમંગે સ્વાંગ સજી રૂપરંગે રંગે
બિરદાળી મા બહુચર સંગે, આવે ગરબે રમવા
મા…… જગજનની જગદંબા ….. રૂમઝૂમ

મુખડું મલકે હૈયું હરખે, ઉરમાં અનુપમ આનંદ ઊમટે
ગીત-સુધાની છોળો ઊછળે અવનિ પાવન કરવા
મા……. જગજનની જગદંબા ….. રૂમઝૂમ

ગગનનો ગરબો શિર પર શોભે, ચંદ્ર સૂરજ બે દિવડા ઓપે,
તારકપાવક ઝગમગ જ્યોતે, યુગાંધારાં હરવા….
મા……. જગજનની જગદંબા ….. રૂમઝૂમ

પગલે પગલે કુમકુમ ઢોળે નવજીવનનાં ફૂલડાં ફોરે
કુંજનિકુંજે ગીતડાં ગુંજે, આશિષ-અમી પાથરવા
મા……. જગજનની જગદંબા ….. રૂમઝૂમ

સૂરોનાં સહું સંકટ ટાળ્યાં, પાપીઓને પળમાં માર્યાં
વિજયતણા જયનાદ ગજાવ્યાં, ખંડ ખંડ જય કરવા…..
મા……. જગજનની જગદંબા ….. રૂમઝૂમ

ભવભવનાં મા બંધન તોડી, તવ ચરણે દે પ્રીતિ જોડી,
વિનવે બાળ ‘રવિ’ કર જોડી, તારે ખોળે રમવા….
મા……. જગજનની જગદંબા ….. રૂમઝૂમ

કવિ : રવિ ઉપાધ્યાય, સંગીત : રવિ ઉપાધ્યાય, ગાયક :
1953માં Indian National Theatre (INT) દ્વારા આયોજીત ગરબા-ગરબીની રાજ્યસ્તરીય સ્પર્ધામાં શ્રી સત્યાવીસ સાબરકાંઠા નવદુર્ગા મંડળે રજૂ કરેલ આ અમરક્રુતિને શબ્દલાલિત્ય માટે પ્રથમ પારિતોષિક પ્રાપ્ત થયેલું. અનેક નવરાત્રિ મંડ્ળો અને માંડ્વીઓ અને મુંબઇની લોકલ ટ્રેનોનાં ભજન ગવાતાં ડ્બ્બાઓમાં આ ગરબી આજે પણ હોંશે હોંશે અને ભક્તિવિભોર થઇ ગવાય છે.

Posted in ગરબો / ગરબી | Leave a Comment »

 
%d bloggers like this: