ગરબો નવરાતનો
Posted by Dr Jagdip Upadhyaya on ઓક્ટોબર 5, 2008
ગરબો નવરાતનો
(રાગ - લોકગીત -ઢાળ, તાલ - દાદરા) ચેતનની ચંદ્રિકાઓ ચમકે, અનંત-જ્યોત ઝબકે, રે..... ઘૂમે ગરબો નવરાતનો.....ગરબો નવરાતનો..... 1 નભની નિહારિકાને હાટે, વિરાટ-વ્યોમ વાટે, રે..... ઘૂમે ગરબો નવરાતનો.....ગરબો નવરાતનો..... 2
ધખધખતી ધરતી હૈયે હેમંત થઇ, વર્ષા હરસી વરસી તરસી દિગંત મહીં, અંબર અટારીઓને લીંપી, શરદ શુભ્ર દીપી, રે.... ઘૂમે ગરબો નવરાતનો.....ગરબો નવરાતનો..... 3 વનવનને ઉપવનમાં વિકસે કૈં વલ્લરિ, મંદમંદ સુગંધ વહે બંધ પુષ્પની કળી, અવનિની ઓઢણી રંગાતી, મસ્તીમાં મદમાતી, રે..... ઘૂમે ગરબો નવરાતનો.....ગરબો નવરાતનો..... 4 યુગમાતા અંબા ગરબે રમવા આવતાં, મંગલ ૐકાર તણા ઝંકાર જગાવતાં, ગરબા, ગાયત્રી, છંદ ગાતાં હવન .... હોમ.... થાતાં, રે..... ઘૂમે ગરબો નવરાતનો.....ગરબો નવરાતનો..... 5 આતમનાં ઓજસ પરમાતમને પ્રેરતાં, અંતરના જંતર મધુર સૂર રેલતાં, આશાના ઓથ અવિનાશી, રેલાય .... રંગ રાશિ, રે..... ઘૂમે ગરબો નવરાતનો.....ગરબો નવરાતનો..... 6 મનના મનોરથની મંજરીઓ મ્હોરતી, કુંજ કુંજ જીન્દગીને રસવસંત ફોરતી, ભક્તિ-ગંગાના નીરે ન્હાતાં, રે..... ઘૂમે ગરબો નવરાતનો.....ગરબો નવરાતનો..... 7
કવિ – રવિ ઉપાધ્યાય,
( ઉરના સૂર અને નવરાત્ર નિર્ઝરિણિમાં પ્રકાશિત)
Neela said
Happy Diwali.
Happy New Year.