રવિ ઉપાધ્યાય – સર્જકતાનો ખજાનો

રવિ ઉપાધ્યાયે ગુજરાતી સાહિત્ય, કલા અને સાંસ્કૃતિક ક્ષેત્રે કરેલાં માતબર પ્રદાનને અવગત કરાવતો બ્લોગ

 • રવિ ઉપાધ્યાય

  RKU for skylab 2
  રવિ ઉપાધ્યાય એટલે સર્જક્તાનો છલોછલ ભરેલો ખજાનો.
  જન્મ: 26/06/1928, કડોલી ગામ, જીલ્લો: સાબરકાઠાં.
  મૃત્યુ : 08 / 02 / 2002 મુંબઇ.
  થોડાં પણ સરળ અને સચોટ શબ્દોનાં ઉપયોગથી એમણે સર્જેલ, ઘણાં વેધક અને અર્થસભર ગીત, કવિતા, ગરબા-ગરબી, નવલિકા-નવલકથા, નાટક- નૃત્યનાટિકા વગેરેના અંશો પ્રસ્તુત કરતાં આ બ્લોગમાં આપનું સ્વાગતછે.
  આપનાં પ્રતિભાવ અને સલાહ-સૂચન આવકાર્ય છે.
  સંપર્ક : ડો. જગદીપ ર. ઉપાધ્યાય.
  phone:(91) 9321031220.
  (022) 28284271,(022) 28482425.
  E Mail : drupadhyayajr@yahoo.com

 • Advertisements

કવિની કવિતા

Posted by Dr Jagdip Upadhyaya on જાન્યુઆરી 18, 2008

slide1.jpg

વિની વિતા

   બે ત્રણ દિવસથી કવિ ગામમાં બહાર નીકળતાં દેખાતાં ન હતાં. કવિના બે ચાર મિત્રો ચૌટે મળ્યાં ત્યારે ચર્ચા કરી રહ્યાં હતાં.” કેમ બે ત્રણ દિવસથી કવિ ક્યાંય બહારગામ ગયાં છે કે શું ? દેખાતા નથી”.
“અરે ના રે ! ઘરમાંજ છે. કોઇ મહાન કાવ્ય લખવામાં ગુંથાયા છે.ઘરનું મુખ્ય દ્વાર પણ બંધ છે.ઉપરની બારી ખુલ્લી છે. હું ગઇ કાલે જ ગયો હતો તો એમણે મને ઉપરથી જ જવાબ આપેલો. ” કોઇ અંદર આવશો નહીં, હું મારી કવિતા લખવાના ધ્યાનમાં છું”   
” વાહ રે ! આ તો કેવી મહાન કવિતા ! ઘર બંધ કરી ત્રણ ત્રણ દિવસ અંદર ભરાઇ રહે છે અને બહાર નીકળતાં પણ નથી !.ગજબનો ધૂની માણસ છે.આ કવિ તો !”
” ખરું.. પણ એની કવિતા પણ એવી જ હોય છે ને ? કેવી આબેહૂબ ભાવપૂર્ણ અને કલાત્મક કવિતાઓ રચે છે !. પેલે દિવસે એનું પેલું કાવ્ય- ” સંધ્યાનો વિરહ” વાંચતાં વાંચતાં મારી તો આંખો ભીંજાઇ ગઇ. હતી !”
” ચાલોને જઇએ એને ત્યાં – હવે તો એનું મહાન કાવ્ય પૂરું થયું હશે ખરૂ !”
” હા .. હા.. ચાલો જરા જોઇએ, કેવું મહાન કાવ્ય લખ્યું છે આપણા મહાન કવિએ !”  
           વાતો કરતાં કરતાં ચારે મિત્રો કવિના નાનકડાં ઘરે આવી પહોંચ્યા. આગળનું મુખ્ય દ્વાર હજૂયે બંધ હતું . પાછળ નદી કિનારે પડતી બારી ખૂલ્લી હતી. આગળથી બે ચાર વાર બારણું ખખડાવ્યું – પરંતુ અંદરથી જવાબ ના મળ્યો એટલે એક મિત્રે જોરથી ધક્કો માર્યો…. બારણું ઉઘડી ગયું. બધા મિત્રો અંદર ગયાં અને દાદર ચઢી ઉપરની મેડીએ પહોંચ્યા.
પણ ત્યાં તો…….?
ઉપરના આખા ઓરડામાં પુસ્તકો અસ્તવ્યસ્ત પડ્યાં હતાં. વચ્ચે પડેલી ભાંગેલી ખાટલી ઉપર પુસ્તકોના ઢગલામાં માથું દાબી, કવિ નિશ્ચિંતે સૂતા હતાં.
બે ચાર વાર, બે ચાર જણાએ કવિને ઢંઢોળ્યાં…. પણ કવિ જાગ્યાં નહીં. કવિના મોં ઉપરનું તેજ ઉડી ગયું હતું. ચહેરો નિસ્તેજ હતો. આંખો બંધ થઇ ગયેલી હતી. શ્વાસોચ્છવાસ વિરમી ગયેલાં હતાં. કવિનો રોગીષ્ટ, ક્ષીણદેહ ટૂંટીયુંવાળી ખાટલીમાં ઢળી પડેલો હતો.
કવિના મિત્રોને ખાત્રી થઇ ચૂકી હતી કે કવિનો સ્વર્ગવાસ થઇ ચૂક્યો છે. આ દ્રશ્ય જોઇ મિત્રો ખૂબ આશ્ચર્યમાં ગરકાવ થઇ ગયાં.
– ત્યાં એક જણની નજર બાજૂના ટેબલ પર પડેલાં ઉઘાડાં કાગળ પર પડી. ઝડપથી તેણે તે પત્ર ઉપાડ્યો અને મોટેથી વાંચવા માંડ્યો……
” મિત્રો !,
સન્ધ્યા અને ઉષાનાં, ફૂલ અને સરિતાનાં, યૌવન અને તેનાં જાદુનાં, અનેકરંગી વિધવિધ કલ્પના અને નરી વાસ્તવિકતાનાં મારાં કાવ્યો વાંચી તમે મારી પ્રશંસા કરતા !. મને મહાન કવિ માનતા તેમજ કવિના મિત્ર બનવાનું ગૌરવ અનુભવતા ખરુંને ?
પરંતુ આજે મારી જીન્દગીની આખરી પળોમાં હું મારો ભ્રમ – મારાં હ્રદયનો કારમો જખમ ઉઘાડો પાડું છું. આજસુધી મેં પારકાનાં ગીત ગાયાં છે. આજે હું પોતાનું – મારું ગીત – ગાતો જાઉં છું.
મિત્રો, તમે જાણો છો છેલ્લા બે એક માસથી મારી તબિયત ખરાબ રહ્યાં કરે છે. દિવસે દિવસે બિમારી વધતી જાય છે. વળી મારી ગરીબીમાં વધું વિકટ ઘટના તો એ બની છે કે પ્રસિધ્ધિ માટે મારી પાસેથી લઇ ગયેલાં મારાં ઉત્તમ કાવ્યો – પ્રગટ કર્યાં છતાંયે, તે સામયિકોના તંત્રીઓએ હજી સુધી મને તેનો પુરસ્કાર મોકલ્યો નથી. આજે છેલ્લા ત્રણ ચાર દિવસથી મારાં ગજવામાં એક નવો પૈસો નથી.!
હું દવાખાને ગયો. ડોક્ટરને શરીર બતાવ્યું.
ડોકટરે પૂરેપૂરું તપાસી કહ્યું ” તમને ટી.બીનું થર્ડ સ્ટેજ છે. જલ્દીથી હોસ્પિટલમાં દાખલ થઇ જાવ, અત્યારે આ દવા ગોળીઓ આપને આપું છું તે ચાલું કરો “.
ડોક્ટરે આપેલી દવા હાથમાં લેતાં મે કહ્યું ” ડૉકટર સાહેબ, મારાં કાવ્યોનો પુરસ્કાર મને મળ્યો નથી. બે ચાર દિવસમાં આવી જશે એટલે આપની દવાના પૈસા જરૂરથી ચૂકવી જઇશ.”
મારા હાથમાંથી દવાની ગોળીઓ અને પ્રવાહીની શીશી ઝડપથી ખૂંચવી લેતાં ડોક્ટર બોલ્યાં ” કવિ મહાશય ! તમારી કવિતાઓમાં ઉધારી ચાલતી હશે, મારી દવામાં નહીં, મહેરબાની કરી પૈસા આવે ત્યારે જ દવા લઇ જશો”
વિલે મોંઢે હું ત્યાંથી પાછો ફર્યો.
એજ હાલત કરિયાણાંવાળા મોદીને ત્યાં થઇ. ઉધાર ચીજવસ્તુ આપવાની તેણે ઘસીને ના પાડી દીધી.
ઘરે આવ્યો ત્યારે ઉધરસ ખૂબ જ વધી ગયેલી હતી. કફમાં લોહી પડતું હતું.વળી પેટમાં પણ પારાવાર ભૂખ લાગવાથી આગ બળતી હતી.આખરે મને એક ઉપાય સૂઝ્યો.
મારાં લખેલાં ચાર કાવ્યસંગ્રહોમાંથી બે જાડાં થોથાં લઇ હું પસ્તીવાળાને ત્યાં ગયો.
તેણે મારાં પુસ્તકો હાથમાં લઇ જોયાં અને બોલ્યો, ” શેઠ, કાગળ ખૂબ જ જૂનાં છે, ઠીક છે…. છતાં ચાલશે….!” ” બોલો શું લેશો?”
“તું જે આપે તે”
“શેઠ, બે રૂપિયા આપીશ.. જોઇએ તો લઇ જાવ નહિંતર ચોપડાં પાછાં લઇ જાવ..” તે બોલ્યો
જે પુસ્ત્કોની કિંમત પચાસ પચાસ રૂપીયા હતીં એની કિંમત ફક્ત બે રૂપિયા ?. જે સાહિત્યમાં – જે ગીતોમાં જગતને નવી દ્રષ્ટિ, નવાં રસ, નવી જીન્દગી બક્ષવાની એક સમયે તાકાત હતી – એ સાહિત્ય આજે પેટની ભૂખમાટે મારે ફક્ત બે રૂપિયામાં વેચીં દેવું પડે છે?. મને આંખે અંધારાં આવ્યાં. આજુંબાજુનું બધું ચક્કર ચક્કર ફરવાં લાગ્યું….! હાય પ્રભુ ! હું શું કરું ? આખરે મહાપ્રયત્ને સ્થિર થઇ , હ્રદયમાંથી નિરાશાના રૂધિરને વહેવાં દઇ – તે પુસ્તકો પસ્તીવાળાને આપી બે રૂપિયા લીધાં – અને તેની બાજૂનીજ ચણા મમરાવાળાની દુકાનેથી તે બે રૂપિયા આપી ચણાં ખરીધ્યાં. રસ્તામાં ઉભાં ઉભાં જ એ ચણાં મેં ફાંકી લીધાં અને પછી ઉપરથી બે ગ્લાસ ઠંડુ પાણી પીધું.
પેટની આગ કંઇક અંશે શાંત પડી. ત્યાંથી ઘરે આવતાં રસ્તામાં એક મિત્ર ભેટી ગયો. તેણે પૂછ્યું ” કેમ કવિ મહાશય મજામાં છો ને …!”
પ્રયત્નપૂર્વક મ્હોં પર હાસ્ય ઉપજાવી મેં પ્રત્યુત્ત્રર આપ્યો ” હા … તમે મજામાં છો ને ?”
” ના ભાઇ ના શું કહું તમને ..? નવા શરૂ કરેલાં ધંધામાં વીસ લાખની ખોટ આવી છે. અત્યારેને અત્યારે શહેર દોડવું પડે છે….આવજો…” કહી તે મિત્ર દોડતો ચાલ્યો ગયો.
એની આગળ પણ મારાં હૈયાની વરાળ મારાથીં ઠાલવી ના શકાઇ. એના અંગત સ્વાર્થે એને યંત્રવત માનવ બનાવી દીધો હતો અને તેથી એ દોડ્યે જ જતો હતો…
હું ઘરે આવ્યો. ઘરનાં બારણાં બંધ કરી ઉપરની મેડીએ ચઢી ગયો. માથે બનુસ ઓઢી સુઇ રહ્યો. મને કંઇ ચેન પડતું હતું નહીં. ધીરે ધીરે શરીરમાં તાવ વધવાં માંડ્યો હતો. ઉધરસનું પ્રમાણ પણ વધતું જતું હતું. મોડી રાત સુધી મને ઉંઘ ના આવી. બિમારીએ મને ખૂબ જ પરેશાન કરી મૂક્યો. ઉભાં થઇને પાણી પિવાની મારામાં શક્તિ રહી નહોતી. મહાપ્રયત્ને રાત તો વિતાવી.
આજે હું ઉઠ્યો…… પરંતુ ઘરની બહાર નીકળી શક્યો નથી. ઉધરસ ખાતાં બહાર પડતાં ગળફામાં લોહી ખૂબ વધી રહ્યું છે. હાથ પગ કંપે છે….. શરીર ધ્રૂજે છે……
બપોરે એક મિત્રે નીચેથી બૂમ મારી તો મેં કહ્યું ” હું મારી કવિતા લખવાના ધ્યાનમાં છું…. મહેરબાની કરી ઉપર આવશો નહીં.” . એ વેળાં હું આ પત્ર લખવાનાં ધ્યાનમાં હતો.
અત્યારે…. શરીર તાવથી ધખે છે. હાથપગ બળે છે.અંગેઅંગ તૂટે છે. ઉધરસ સહન થતી નથી. હવે….. કલાકે જ માંડ કાઢી શકીશ….. આ….હ…! આગળ….. લ…ખી… શ..ક..તો ન…..થી… મારી કલમને હું બંધ ક….રું … છું. ..મા..રી… ક….વિ…તા..ને છે…લ્લા….પ્ર…..ણા….. મ….! જય દે…વી… મા!”
ઉપરોક્ત પત્રમાં અક્ષરો ખૂબ જ આડા અવળાં લખાયેલાં હતાં. ચારે મિત્રો પત્ર વાંચન સાંભળતાં વિસ્મય અને આઘાતથી મૂઢ બની ગયાં.
મૃત કવિના નશ્વર દેહને છેલ્લીવારનાં દર્શન કરતાં સહુંના મસ્તક એની પ્રતિભા સમક્ષ ઝૂકી પડ્યાં…….
અને એમનાં અંતર પોકારી ઉઠ્યાં.. ” ધન્ય કવિ ! તું જરૂર મહાન છે. તને જગતને એક આંખે હસાવતાં અને બીજી આંખે રડાવતાં પણ આવડ્યું”……….

લેખક : રવિ ઉપાધ્યાય

આકાશવાણી મુંબઇ પરથી  પ્રસારિત ” મારી નવલિકા” કાર્યક્રમમાં 16/11/1992,  નાં રોજ રવિ ઉપાધ્યાયે આ નવલિકાનું પઠન કરેલ 

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

 
%d bloggers like this: