મહા સુદ પાંચમના દિવસને આપણે વસંત પંચમીના દિવસ તરીકે ઓળખીએ છીએ.હેમંત અને શિશિર ઋતુ પછી આવતાં આ દિવસે વસંત ઋતુનું આગમન થાય છે. ધરતી પર રંગબેરંગી ફૂલો પથરાયા હોય છે. ખેતરમાં જાણે પીળા રંગની ચાદર બિછાવાઇ હોય એવું આપણને લાગે.કેસૂડો પૂરબહારમાં ખિલ્યો હોય અને એની ડાળપર કોયલ ટહુકા કરતી હોય. આવા આહલાદ્ક વાતાવરણમાં પ્રેમી પંખીડાઓનાં દિલમાંથી પ્રેમની સરવાણી ફૂટે અને કવિઓને કવિતા લખતા કરી દે. એવું પણ મનાય છે કે આ વસંતપંચમીનો દિવસ એટ્લે મા સરસ્વતીનો જન્મદિવસ…. એટ્લે કે એની આરાધના, પૂજા, અર્ચના કે વંદન કરવાનો દિવસ.
- ડો. જગદીપ ઉપાધ્યાય
વસંતને વધામણાં
વસુંધરા દેતી વસંતને વધામણાં
તાલભરી હૈયાનો લેતી ઓવારણાં …. વસુંધરા
અંગ પર અનંગનો ઉમંગરંગ નીંતરે
કંચન કાયા કટોરી પ્રાકૃત અમૃત ઝરે
પહેરી પ્રીતિનાં પટકૂળ સોહામણાં….વસુંધરા
સંધ્યા ઉષાએ રંગ તેજ નૃત્ય આદર્યા
આભની અટારીએથી અબીલગુલાલ ઝર્યાં
હીંચે હર્ષનાં હીંડોળે હૂલામણા…. વસુંધરા
કેસૂડે ફાગનો પરાગ રાગ રેલતો
વન ને ઉપવન વાયુ વીંઝણલો વીંઝતો
કરે કોકીલા ટહુકા લોભામણાં…. વસુંધરા
પુષ્પતણી પાંખડીની પાંપણ પે પોઢતા
માદક મકરંદ પી મધુપ મસ્ત મ્હાલતા
ઘૂમે ઘેરૈયા રંગ – ઘમસાણમાં… વસુંધરા
સ્નેહીનો બોલ મીઠો અંતરપટ ખોલતો,
મનની મંજરીઓનો માંડવડો મ્હોરતો
જાગે જૂગજૂગનાં પ્રીતિ- સંભારણાં…. વસુંધરા
કવિ રવિ ઉપાધ્યાય (08/01/1961)


