હજૂયે યાદ છે મને દિ′ કોક સંધિકા સમે,
Posted by Dr Jagdip Upadhyaya on March 25, 2009

હજૂયે યાદ છે મને દિ′ કોક સંધિકા સમે, હજૂયે યાદ છે મને દિ′ કોક સંધિકા સમે, લટાર મારવા અમે ગયાં′તાં વારિધિ તટે...! સુગંધ વાયુ-મંડળે ભરંત દ્રુમનાં દલે પ્રકાશનો કસુંબલો...... સ્ફૂરંત રંગ ત્યાં ઢળ્યો હતો, એ મૌન સાગરે, ન શબ્દ, શ્વાસ એ ભરે, ધીમે ધીમે .... વહે અફાટ જોશમાં ક્ષિતિજ કેરી ડોકમાં,પરોવે રંગ બિન્દુડાં ! ડૂબંત સૂર્યના સુવર્ણ તેજ પી,બની પ્રમત્ત લ્હેરીઓ સમીર કેરી, મીઠી મીઠી શીત ભરી સાથ લૈ આવતો ને, પૃથ્વી પે વહાવતો ! સમીરની સુરાવલી હતી, ઊરોને ભાવતી, ખળખળાટ હાસ્યમાં તરુવરો નચાવતી, ઊડંત મુક્ત પંખીડાં, કિલ્લોલમાં હસાવતી, દિગંત-રેખથી દ્રવંત, વારિધિ મહીં ભળંત, રક્તરંગી તેજ-ધાર....! બાંધી ત્યાં હતી જે પાળ, બેસી તેની ઉપરે અમે નિહાળતાં હતાં રાચતાં, પ્રફુલ્લતાં સુગંધવાયું ચૂમતાં, ને અવનવા એ રંગનાં ધનું નિહાળતાં હતાં.... ત્યાં સ્ફૂર્યો મને વિચાર ! અંતરને આરપાર, ઝણઝણત બીન-તાર-શો, વહ્યો કો આંચકો ! જે રંગ જોઇ રાચતો-પ્રફુલ્લતો...ને અવનવી કુમાશ હૈયે માણતો ! તે ઘડીકમાં વિલુપ્ત-થૈ જશે, નભેથી લુપ્ત,રેખ એકે નૈ રહે, નક્કી વિભાવરી ઢળે, તિમિર ત્યાં ફરી વળે, જ્યાં રાજ્ય રાત્રિનું ચઢે, એ ક્રમ જીંદગી મહીં, મનુષ્યની શું દીસતો-ન ? આવતી યુવાની ને વહી જતી ....! જે રંગ રેલતો યુવાનીમાં ખીલે, રસે, ધસે, જે પુર-બહારમાં લુપ્ત તે ન થાય શું ? આવતી સવારી જ્યાં ડોલતી જરાની ત્યાં ? જન્મવું ઘડીકમાં ને ખીલવું ઘડીકમાં રચવું યુવાની કેરી મોજમાં ઘડીકમાં, ત્યાં નકી જરાની જાળમાં ફસાવું, પાંગળુ અને બસુરું - ગીત બસ જરાનું ... ગાવું ... એક દિ′ તો કાળને મુખે છ જાવું ! વ્યર્થ ખેલ માનવી ! શેં સર્જતો આ દાનવી ! વેર ઝેર તાંડવો ઘડી ઘડી શું માંડતો ? રંગરેખ ના રહે જ્યમ ક્ષિતીજના તટે મનુજ-જીંદગીનો કાળ સ્થાયી કોઇ ના રહે ! આજ જે હુલાસ રંગછોળ ઊડતી યુવાનીની સુરાવલી મધુર ગુંજતા, કાલ તે જરાના ઘેરા રંગથી - નક્કી ભૂંસાશે - આ યુવાન અંગથી ? વ્યર્થ હું શેં રાચતો ? યુવાની કાળ આજનો ? મોજ શોખને મીઠા વિલાસ નીત માણતો? શેં જરાના અંધકારમાં ભળી જવા અગાઉ - કાર્યસદ્દ કરી પ્રકાશની ભરી લઊં - અબૂઝ રંગ જ્યોત હું ન જીવને ? શબ્દરચના - રવિ ઉપાધ્યાય.
