રવિ ઉપાધ્યાય – સર્જકતાનો ખજાનો

રવિ ઉપાધ્યાયે ગુજરાતી સાહિત્ય, કલા અને સાંસ્કૃતિક ક્ષેત્રે કરેલાં માતબર પ્રદાનને અવગત કરાવતો બ્લોગ

Archive for April 25th, 2008

રક્ષણ કરજો માત…

Posted by Dr Jagdip Upadhyaya on April 25, 2008

25 એપ્રિલ મારો જન્મદિવસ. સ્વાભાવિક છે કે આ દિવસે જન્મદાતા – માબાપ વિશેષ સાંભરે. Medical education માટે ઘરથી દૂર Hostelમાં રહેવાનું થવાથી 1973 નો જન્મદિવસ કદાચ એ જીંદગીનો પહેલો જન્મદિવસ હતો જ્યારે એ દિવસે આશિર્વાદ આપવાં પ્રત્યક્ષ કોઇ parents હાજર ન હોતાં. છતાંયે વડિલ પિતાશ્રી રવિભાઇએ આ શુભાશિષનું પ્રસંગોચિત્ત કાવ્ય postમાં મોકલેલ. આજે આટલાં વર્ષે આ કાવ્યનું મૂલ્ય એટ્લું જ અકબંધ છે
= ડો. જગદીપ રવિ ઉપાધ્યાય

રક્ષણ કરજો માત 

ગૌરીસૂતને નમન કરીને, સ્મરણ કરી મા શારદનું,
સદાશીવને કરી પ્રાર્થના, યાચું શુભ મમ બાળકનું,
વર્ષગાંઠના શુભદિન ઉપર આશિષ દેતો આ પત્ર
 રક્ષણ કરજો માત ભવાની સદા, સર્વદા, સર્વત્ર"
 
જીવનની એક ઉચ્ચ આકાંક્ષા કાજે દૂર રહેવાનું થયું
માતપિતાને માટે આ એક મોટું દુ:ખ સહેવાનું થયું
છતાં, અડગ, મક્કમ ને નિશ્ચલ મનથી શીખ વિદ્યા-મંત્ર,
 રક્ષણ કરજો માત ભવાની સદા, સર્વદા, સર્વત્ર"
 
આશા, અભિલાષા અમ ઉરની તું કરજે સાકાર પ્રિયે !
મનોરથોની મૂર્તિ મનની, તું દેજે આકાર પ્રિયે !
સફળ થજો તવ હરેક યત્નો, વિજયી હર કાર્ય-તંત્ર,
 રક્ષણ કરજો માત ભવાની સદા, સર્વદા, સર્વત્ર" 
 
માતપિતા, બંધુ,બહેનીના અંતરની આશિષ તને,
જીવનનો મંગલ દિન આજે,વરસ બેસે વીસ તને.
શત શત શરદ જીવોને પામો અહર્નિશ પ્રભુનું છત્ર !
 રક્ષણ કરજો માત ભવાની સદા, સર્વદા, સર્વત્ર!
 
કવિ : રવિ ઉપાધ્યાય, (એપ્રિલ 1973)

 

Posted in ગીત - પ્રસંગોચિત્ત | Leave a Comment »