રવિ ઉપાધ્યાય – સર્જકતાનો ખજાનો

રવિ ઉપાધ્યાયે ગુજરાતી સાહિત્ય, કલા અને સાંસ્કૃતિક ક્ષેત્રે કરેલાં માતબર પ્રદાનને અવગત કરાવતો બ્લોગ

દુનિયાનાં ઘડવૈયા કેરી તું…..

Posted by Dr Jagdip Upadhyaya on April 19, 2008

દુનિયાનાં ઘડવૈયા કેરી તું.....

દુનિયાનાં ઘડવૈયા કેરી તું અનુપમ રચના રળિયાત,
સુંદરતાની માટીમાંથી ઘડ્યો વિધિએ તારો ઘાટ.

ઉલટસુલટ લટ શિર પર કાળાં કેશ તણી જે છાઇ છટા,
ઉમડઘૂમડ કરતાં અષાઢનાં વાદળની ઘનઘોર ઘટા,
વિંઝાતા વાયુથી પમરે પ્રેમલ પરિમલનાં પમરાટ.
સુંદરતાની માટીમાંથી ઘડ્યો વિધિએ તારો ઘાટ. 

નૈન શરાબી, ઘેન ગુલાબી, સહુનું ચેન ભૂલાવી દે,
કોઇ દિવાના દિલ પર એ જાદૂનાં તીર ચલાવી દે,
સ્નેહીને દે ઇજન-ઇશારા નૈનોના ચંચલ ચમકાટ.
 સુંદરતાની માટીમાંથી ઘડ્યો વિધિએ તારો ઘાટ. 

સુવર્ણસંધ્યા ભરતી ભાલે, ગાલે ઉષાની લાલી,
પરવાળાં શાં હોઠે છલકે પ્રેમસુધા રસીયાલી,
શશીવદન પર સ્મિત સરે જ્યમ નભ પર તારક છાંટ.
 સુંદરતાની માટીમાંથી ઘડ્યો વિધિએ તારો ઘાટ. 

વિકસીત વક્ષસ્થળ પર સોહે અંબૂજ અમૃત કુંભ સમા,
થનગન કરતી દિલની ધડકન રેલે સ્નેહલ સૂર નવાં,
મતવાલી મસ્તીમાં મ્હોર્યો માદક જોબનનો મલકાટ.
 સુંદરતાની માટીમાંથી ઘડ્યો વિધિએ તારો ઘાટ. 

કટિ તણી અટપટી કમાનો કલાભરી કમનીય બની,
નિતંબનાં નમણાં નર્તનથી અભિસારિકા સમી બની,
તાલભરેલી ચાલ મહીં લે યૌવનની અંગડાઇ અફાટ.
 સુંદરતાની માટીમાંથી ઘડ્યો વિધિએ તારો ઘાટ. 

કોઇ કવિની કલા-કવિતા, કોઇ સ્નેહીની તું સરિતા,
બજવૈયાની તું બીના, કોઇ ગાયકનો તું પ્રેમ-ગીતા,
તું કલકલ કલશોર ઝરણને, તું સાગર ગર્જન ઘૂઘવાટ.
 સુંદરતાની માટીમાંથી ઘડ્યો વિધિએ તારો ઘાટ. 

વન ઉપવનનાં પુષ્પપરાગે ફોર્યોં તારો યૌવન-બાગ,
અંગ અંગની વીણા ઉપર વાગે માદક અનંગ રાગ,
સ્નેહસુવાસે મ્હેકાવે તું સ્નેહીનાં જીવતરની વાટ.
 સુંદરતાની માટીમાંથી ઘડ્યો વિધિએ તારો ઘાટ.

કવિ : રવિ ઉપાધ્યાય (16/12/1960)

Leave a Reply

XHTML: You can use these tags: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>