Posted by Dr Jagdip Upadhyaya on March 21, 2008

છોળો ઉડે રંગની ….
દૂહો : હે….છોળો ઉડે રંગની એવી અપરંપાર
કે ધરતીને આકાશ બે લાગે એકાકાર …..
હે ..નાચે છૂમક છૂમક તા તા થૈ યા
ગોરી ગોરી છોરીઓ ને ગોરા ગોરા છૈયા
હો….આજ ખેલે ગોકુળનાં ઘેરૈયા (2)….. હે..નાચે
ઢબૂકે છે ઢોલને ઝણકે છે પાયલ
ફરકે પવનને સરકે છે છાયલ
હો…ભૂલી સાન ભાન તાન નાચે નચવૈયા (2)… હે…નાચે
પ્રીતિની પીચકારી રંગે ભરી છે
જોબનની જારી ઉછંગે ઝરી છે
હો… રંગ ઉડાડે ઉમંગે છોરી છૈયા (2) …. હે…નાચે
ગીત અને સંગીત રચના : રવિ ઉપાધ્યાય, નૃત્યનાટિકા : ભવ ભવનાં ભેરૂ (1965), ગાયક : પુરુષોત્તમ ઠાકર, પ્રતિભા રેલે, રાજન સરદાર અને અન્ય સાથીઓ.
Posted in ગીત - ઉત્સવગીત, ગીત - ઉર્મિ ગીત | Leave a Comment »
Posted by Dr Jagdip Upadhyaya on March 16, 2008
આવોને સાથી પંખીડા …… રે
આવોને સાથી પંખીડા …… રે, બે પળ કરીયે વિસામો હો જી…
હે…, ઉડી ઉડી ખૂટી રૂડી પાંખોની મૂડી, હવે જંપી ભરીયે જોમ – જામો જી….
આવોને સાથી
હે… લાગી છે લાહ્યું, આજે ધરતીની ધારે
અને સળગી રહ્યું છે ગગન …..
સળગે છે સાગર ને સળગે છે વાયરા
‘ને સળગે છે વન …. ઉપવન….
હે… અવનિની આંખે ઉમટ્યો અજંપો એવો
કે પાંપણ ન પલકાર પામો જી….. આવોને સાથી
હે… ભેળાં રે મળ્યાં, ભોળાં ભવ ભવનાં ભેરૂ
કાંઇ અમૂલખ આશાએ બાંધ્યા પ્રાણ
લ્હાવા લૂંટાયાના લીધા કે ન લીધા…..
ત્યાં આવી ઉભાં છે પ્રયાણ…
હે મળ્યાં કે ન મળ્યાં તેના ઓરતા ન આણજો
’ ને ઝીલજો આ આખરી સલામો … જી આવોને સાથી
શબ્દરચના અને સંગીત : રવિ ઉપાધ્યાય ‘રવિ’, ગાયક : રાજુલ મહેતા અને રાજન સરદાર, નૃત્યનાટિકા : ” ભવ ભવનાં ભેરૂ” (1965)
Posted in ગીત - ભજન, ભવભવનાંભેરૂ-નાટયગીત | Leave a Comment »
Posted by Dr Jagdip Upadhyaya on March 7, 2008

હે પિતા…. ! હે પ્રાણ…. !
હે પિતા…. ! હે પ્રાણ…. !
હે પિતા…. ! હે પ્રાણ…. !
નમન કરી સહુ જનગણ યાચે કરો વિશ્વકલ્યાણ
હે પિતા…. ! હે પ્રાણ…. !
ક્ષીર સાગરના મંથન વેળા વિષનાં પાન પીધાં
દેવોનાં સહું દુ:ખડાં ટાળી અમૃતદાન દીધાં !
કામદેવને કર્યો ભસ્મ, ત્રિલોચન કેરે બાણ !
હે પિતા …. હે પ્રાણ …. !
મુનિ માર્કંડ અખંડ કરી તપ, શરણ તમારે આવ્યો,
નાશ કર્યો યમ પાશ પ્રભુએ, મુનિવર અમર બનાવ્યો,
ભક્તોને વાંછેત વર દેતા, નિરાકાર ! નિર્માણ !
હે પિતા …. હે પ્રાણ ….. !
દસ આનન રાવણ રાજાએ હવન મહીં શિર હોમ્યાં,
બ્રહ્મ ભક્તિનાં પ્રીતે પુષ્પો તારે કંઠ પરોવ્યાં,
જગ સમ્રાટ વિરાટ બનાવ્યો, દૈ ને તેં વરદાન !
હે પિતા …… હે પ્રાણ ……. !
હે પિતા …… હે પ્રાણ ……. !
હે પિતા …… હે પ્રાણ ……. !
શબ્દરચના અને સંગીતકાર : રવિ ઉપાધ્યાય, ‘રવિ’
Posted in ગીત/સ્તોત્ર-શંકર | Leave a Comment »
Posted by Dr Jagdip Upadhyaya on March 7, 2008

શંકર – સ્તુતિ
વંદન હો…….!.
વંદન હો તને લાખ લાખ વિશ્વદેવતા.
નમન કરી નિશદિન સહુ સુર, સંત સેવતા…… હે વિશ્વદેવતા – વંદન હો . 1
આદિ તું હે ઇશ્વર ! અનાદિ તું ઉમેશ્વર !
મૃત્યુંજય મહેશ્વર ! પૂરણ પરમેશ્વર !
સકળ વિશ્વતણાં હરો પાપ-તાપ હે પિતા…..! હે વિશ્વદેવતા – વંદન હો . 2
ખાંધ પરે લઇ ઝોળી, અંગ અંગ ભભૂત ચોળી !
ભમે સંગ ભૂત- ટોળી, ડમરુ ડમડમ વીંઝોળી !
રમે રાસ તાંડવ, ૐકાર પ્રણેતા…… હે વિશ્વદેવતા – વંદન હો . 3
ગંગાધર ગિરિજાપતિ તારી સફળ અકળ ગતિ
નીલકંઠ નિખિલ જતિ, આપ અખિલ અભય અતિ
મહેષ, હે રસેષ ! ભરો બધે ભદ્રતા ……. હે વિશ્વ દેવતા – વંદન હો . 4
શબ્દરચના અને સંગીત : રવિ ઉપાધ્યાય ‘ રવિ
Posted in ગીત/સ્તોત્ર-શંકર | 1 Comment »
Posted by Dr Jagdip Upadhyaya on March 5, 2008

વ્રત રે ફળે મારાં વ્હાલનાં
વ્રત રે ફળે મારાં વ્હાલનાં
તૃપ્તિ તનમનમાં થાય
કાયાનાં કથીર કસોટી ચઢી
કંચનમાં પલટાય
એવા રે મહિમા મારાં માણિગરના તપના……
શમણાંના સંકલ્પો થાય સાકાર
આશાનાં અણસારા પામે આકાર
સોહે સોહાગ એવા પળમાં જાગી રહે
જીવતરના ઝંખ્યા ઝબકાર
એવા રે મહિમા મારાં માણિગરના તપના……
હૈયામાં નિત હેલી હેતની મંડાય
કાળજાની કોર નવલી પ્રીતથી રંગાય
સાંવરી સાંવરીયાની સૂરતે નીંતરતો
અમૃતનો આસવ પિવાય-
એવા રે મહિમા મારાં માણિગરના તપના……
ગીત – સંગીત : રવિ ઉપાધ્યાય, ‘રવિ’
Posted in ગીત - પ્રણય ગીત | Leave a Comment »
Posted by Dr Jagdip Upadhyaya on March 1, 2008

|
|
તારા પ્રેમની કટારી |
| |
તારા પ્રેમની કટારી મને વાગી હો શ્યામ
જીવનમાં જ્યોત નવી જાગી અભિરામ |
| સીંગલ તાલ - |
સાનભાન ખોયાં મેં વેણુની તાનમાં
અંગ અંગ નાચે નટવરના ગુલતાનમાં
બની અંતર અટારી બડભાગી હો કહાન
જીવનમાં જ્યોત નવી જાગી અભિરામ. – તારા |
| ડબલ તાલ - |
જોગ લીધો મેં તો તારા સ્નેહનો શામળીયા
પ્રીતડીમાં પરવશ થ ઇ હું રે પાતળીયા
માયા જગની નઠારી મેં ત્યાગી તમામ
જીવનમાં જ્યોત નવી જાગી અભિરામ – તારા |
| સીંગલ તાલ - |
સોળે શણગાર તું હૈયાનો હાર તું
જળમાં કમળ શો દિવ્ય અમૃત અભિસાર તું
તારી લગની અલગારી મને લાગી અવિરામ
જીવનમાં જ્યોત નવી જાગી અભિરામ – તારા |
| ડબલ તાલ - |
મનનાં મધુવનમાં નાચે મસ્તિ-મોર
ઘટના ગોકુળિયે ગુંજે પ્રીતગીત શોર
બની ભવ ભવ હું તારી વૈરાગી નિષ્કામ
જીવનમાં જ્યોત નવી જાગી અભિરામ – તારા |
| ચલણ : |
જીવનજમુનાજીને તીર
ઉડે યૌવનનાં અબીર
પહેરી તારાં પ્રેમલ-ચીર
રાસ ખેલું બની અધીર |
| |
કવિ : રવિ ઉપાધ્યાય … |
Posted in ..રાસ | Leave a Comment »