Posted by Dr Jagdip Upadhyaya on May 27, 2009

પથિક તારી જીવનનાવડી
પથિક તારી જીવનનાવડી દરિયાપાર ઉતાર….
નાવડી દરિયાપાર ઉતાર …. ! ….1.
પેલે કિનારે પામીશ પથિક પ્રેમળ –જ્યોતિની ધાર !
નવાં અંકુર જડેલાં, સ્વર્ગ તણાં બે દ્વાર …. !
નાવડી દરિયાપાર ઉતાર …. ! ….2.
ઘૂઘવે છો ને સાગર આખો, ડરીશ ના તું લગાર !
જો જે ન ખૂટે આતમ શ્રધ્ધા, ભેદજે જલભંડાર ….
નાવડી દરિયાપાર ઉતાર …. ! ….3.
માનવહૈયાંની હોળી તણો છે આ કિનારે ચિતાર ….
પેલે કિનારે માનવતાનો નિત્યે થશે જયકાર …
નાવડી દરિયાપાર ઉતાર …. ! ….4.
અન્ન ને વસ્ત્ર વિનાનાં અનાથો તરફડતાં અપાર
સંવેદના સર્વેની હરવાં, નિશ્ચિંતે તું નાવ હંકાર …
નાવડી દરિયાપાર ઉતાર …. ! ….5.
જાત ખોજે, દિનરાત ન જોજે, લાગે છો થાક અપાર .!
પેલે કિનારે વરશે તું ને, વિજયની વરમાળ …..
નાવડી દરિયાપાર ઉતાર …. ! ….6.
કવિ : રવિ ઉપાધ્યાય, ઉરનાં સૂર કાવ્ય સંગ્રહ – (1965)
Posted in ગીત - ઉર્મિ ગીત, ગીત - પ્રેરણા ગીત | 1 Comment »
Posted by Dr Jagdip Upadhyaya on May 15, 2009

આશાના દીપ જલજે….
આશાના દીપ જલજે, આશના દીપ જલજે,
માનવતાની મંઝિલ ઉપર તેજ તારાં પાથરજે.
…. તું જલજે….. આશાના
તારા પ્રેમલ પુનિત પ્રકાશે, પથ અંધારો ઝળહળશે,
તિમિર ભરી રજની હટશે ને નવું પ્રભાત પ્રગટશે,
જન હૈયે જ્યોતિ ભરજે …. તું જલજે….. આશાના
અવનિ આરે ઉમટ્યાં આજે ઘોર વ્યથાં કેરાં વાદળ
લોભ લાલસા વેરઝેરનાં વરસે વિષમ અગ્નિ જળ
અમૃતની ધારા રેલવજે…. તું જલજે….. આશાના
જાલીમ જુલ્મતણી જંજીરે જકડાયા આજે સૌ જન !
ઝંઝાવાતે જીવન પ્રલાપે, જનગણનાં શોષાતાં મન !
ત્યાં સ્થૈર્ય ધૈર્ય સૌરભ ભરજે …. તું જલજે….. આશાના
નહીં બૂઝાતો, ભલે વિંઝાતો વિનાશનો વાયુ ચોપાસ
માનવનાં મનકમલતણાં દલ દલનો કર પલ પલ વિકાસ !
અંતર સરિતામાં તરજે…. તું જલજે….. આશાના
કવિ : રવિ ઉપાધ્યાય, “ઉરના સૂર” ( 1962) કાવ્યસંગ્રહમાંથી
Posted in ગીત - ઉર્મિ ગીત | Leave a Comment »
Posted by Dr Jagdip Upadhyaya on April 10, 2009

શ્રેષ્ઠ કલા
ટોળું આગળ ચાલ્યું. પવનના સૂસવાટાને લીધે રંગબેરંગી સાડીઓના છૂટા પાલવના ફડફડાટ અને માથાના છૂટા વાળની લટોનાં ઉડ્ડયન અને ખીલખીલાટ વેરાંતાં મૂક્ત હાસ્ય જોઇ¸ તરૂણીઓના વૃન્દ સાથે ચાલતાં કુમારને મનમાં આછીશી ચીઢ ચડી. મોં પર ધીમા ગુસ્સાની રેખા તરવરી ઉઠી.
સરોવર આવી પહોંચ્યું. સૂર્ય ક્ષિતિજમાં ડૂબી ગયો…. પવનની લહેરોએ મંદ બની જઇ શીતળતા વહાવવી શરૂ કરી.
“બેસો કલાકાર..! તમારૂં નિત્ય નિયમનું સ્થાન આવી પહોંચ્યું…..″ એક યુવતી બોલી.
“હાં…. ઉસ્તાદ લાવો પાળ સાફ કરી દઉં” બીજી યુવતીએ રૂમાલ વડે સરોવરની બાંધેલી પાળ સાફ કરી.
કુમાર સરોવરની પાળ પર બેઠો. તેનાં હ્રદયમાં કંઇક ગુઢ વેદના હતી… અને તેની વિષાદ છાયાં તેનાં મોં પર વ્યાપી ગઇ હતી.
′ બોલો champion મૃદુલા ગીત સંભળાવે, હુ નૃત્ય કરૂં કે પછી આ શોભનાની ′ફીલસૂફી′ સાંભળશો ?′ લતાએ પૂછ્યું.
′ માફ કરો મારે કંઇ નથી જોઇતું′ કુમાર બોલ્યો.
′ …… તો શું ! મારૂં નૃત્ય એ તમારે મન કલા નથી ?′ લતાએ પૂછ્યું.
′ ….અને મારાં સંગીતમાં … મારાં ગીતમાં… શું તમને કલાનો ભાસ નથી થતો?′ મૃદુલાએ પૂછ્યું.
′ સાચું કહો કુમાર ! મારી ફીલસૂફી …. શું તમને કલા નથી લાગતી?. શોભનાએ બે હાથ કુમારના ખભે મૂકી કુમારને ઢંઢોળી નાખ્યો …..
′ કલા ….! કલા…! નૃત્ય જરૂર કલા છે, સંગીતમાં જરૂર કલા છે, ફીલસૂફી પણ કલાનું અંગ જ છે…. પણ…. પણ… હું તે વડે ધરાઇ ચુક્યો છું. તે સર્વ કલાનો મારી પાસે ભંડાર છે. બોલો તમારે જોઇએ છે ? જાઓ…. હવે મને દરરોજ આ રીતે ના પજવો. મારે તો એક કલા જોઇએ કે જે મારી પાસે નથી. જે કલાને હું હજું સુધી ઓળખી શક્યો નથી. જે કલા જીવનમાં કોકવાર જ ચમકે છે અને કોઇને ચમકાવે છે, જીવન જીવતાં શીખવાડે છે….. તે કલા મારે મન શ્રેષ્ઠ કલા છે….′ ગુસ્સે થઇ કુમારે કહ્યું.
′કુમાર ! આજે બે વર્ષથી અમે ત્રણે જણ તમારી પાછળ પતંગીયા બની ભમીએ છીએ, અલબત્ત સર્વ કલાનાં પાઠ અમે તમારી પાસેથી જ શીખ્યાં છીએ, છતાં તમને અમારી જ કલા પ્રત્યે પ્રેમ નથી !…. કુમાર…. અમારા ત્રણેમાંથી એકને અપનાવો, કોઇ એકમાં જ તમારી સર્વ કલા કેન્દ્રીત કરો પછી જૂઓ…… તમે કલાકાર છો અને તમારી ઉભરાતી કલાનું પ્રતિબિંબ અમારા ત્રણેમાંથી કોઇ એકના હ્રદયમાં સર્જશો તો જરૂર કલાને શ્રેષ્ઠત્વ આપી શકશો.′ શોભનાએ કલાની ફીલસૂફી દર્શાવી.
′પરંતુ શોભના ! એ તો મારીજ શીખવેલી કલા છે. સંગીત, નૃત્ય, ફીલસૂફી અને શિલ્પ એ સર્વે તો મારી જ કલાના અંગ…. પછી મને તેમાં શાનું શ્રેષ્ઠત્વ ભાસે ? મારે તો નવીન કલા જોઇએ ….. નવીનતા …! જગતની આંખોના અંધારા દૂર કરવાં માટે ચમકતી કોઇ નવી કલાનું તેજઅણુ…! જીવન જીવવા માટેની કલા …. જે કલામાં જીવન હોય …! જે કલામાં આત્મા હોય…..! કુમાર સરોવરમાં રચાતા જળવર્તુલો તરફ જોઇ બોલ્યો. તેના હૈયામાં વિચાર વર્તુલો વળ્યે જતાં હતાં.
′કલાકાર ! કઠોર ન બનો. ત્રણેમાંથી જે કલા પ્રિય લાગે તે કલાની શિષ્યાને અપનાવો.અમે ત્રણે આનંદીત થઇશું જો કોઇ એકનું જીવન સુખી થતું જોઇશું તો ! શું નૃત્યમાં જીવ નથી? લતાએ પોતાની નૃત્યકલા માટે દલીલ કરી…
′ લતા….. તારી નૃત્યકલામાં આત્મા જરૂર છે, પરંતુ તે આત્માને તો હું ઓળખી ચૂક્યો છું. જગત પણ પળે પળે તે કલામાં લીન થાય છે…. પણ મારે મન જીવન સંગ્રામ અને જીવન વિકાસનું ધ્યેય જેમાં મૂર્તિમંત બનતું હોય એજ શ્રેષ્ઠકલા છે….′ કુમારે લતા તરફ જોઇ કહ્યું.
′ તો પછી પ્રિય કુમાર ! મારી સંગીતકલા તરફ દ્રષ્ટિ ફેરવો….! તમારી મનની ઇચ્છિત અને સ્વપ્નસર્જીત શ્રેષ્ઠકલા માટે હું મારી સંગીતકલા વડે તમારા જીવનસંગ્રામમાં પ્રણયપુષ્પો વેરીશ … તમારા ધ્યેયમાં … તમારી કલામાં… મારાં ગીત-સંગીતની સૌરભ મ્હેંકશે. …. અને …મારી કલાનું શ્રેષ્ઠત્વ સર્જાશે.′ સંગીત-કલાનું શ્રેષ્ઠત્વ ધરાવતી મૃદુલા બોલી.
′ જીવન મૃત્યુ માટે છે …કલા અમરત્વ માટે સર્જાય છે. તો પછી કલા, જીવન કરતાં શ્રેષ્ઠ નથી ? શું સંગીત, નૃત્ય અને તત્વચિંતન એ જ જીવનની ક્લાના મૂર્તિમંત સ્વરૂપો છે..? તે સિવાય કોઇ શ્રેષ્ઠ કલા નથી ? કુમાર હસ્યો. તેના હાસ્યમાં તેના હૈયામાં ઉઠતા વેદનાભર્યા પ્રશ્નોના પડઘા ભર્યાં હતાં.
′ નિ….શા તું કેમ મૂંગી બેસી રહી છે ? હવે કલાકારને રીઝવવા તું પ્રયત્ન કર … હાં પણ તારી પાસે ક્યાં કોઇ પ્રકારની કલા છે ? લતા હસી પડી.
′ બહેન ….માફ કરજો …. તમે બધાં શું બોલો છો એ જ મને તો સમજ પડતી નથી …. શાની કલા …. અને શાની શ્રેષ્ઠકલા ….! હું તો જરા સરોવર કિનારે તમારી સાથે ફરવા આવું છું એટલું જ બાકી મને તો આમાં કાંઇ આવડતું નથી અને આવડશે પણ નહીં.′ ગભરાતી …. સંકોચાતી નિશા બોલી.
′ નિશા ! તારી પાસે પણ કલા છે. તારૂં દેહ સૌંદર્ય એ શું કલાનું અંગ નથી…?′ કુમારે નિશાને પૂછ્યું.
′ જવા દો વાત …. મને કાંઇ સમજ ન પડે.′ નિશા બોલી.
અંધકાર વધ્યે ગયો અને ટોળું ઘરે ગયું
*************************************
કુમાર કલાકાર હતો. જીવનના અમૂલ્ય વર્ષો તેણે કલા પાછળ વહાવ્યાં હતાં. સંગીત તેના જીવનની પ્રથમ કલા હતી. નૃત્યકલામાં પ્રાવિણ્ય મેળવવા તે ઠેરઠેર ભટક્યો હતો. ′ફીલસૂફી એ જ જીવનની સાચી કલા છે′ એમ લાગવાથી જીવનનાં પાંચ છ વર્ષ એ માટે અભ્યાસ આદર્યો. શિલ્પક્લામાં જીવનરસ અને જીવનધ્યેય સમાયેલ છે એમ લાગ્યું ત્યારે તેણે તે માટે રાત-દિવસ તપ કર્યાં અને તેમાં પ્રવિણતા મેળવી. ′ સર્વ કલામાં પાવરધો થયો છું′ એમ લાગ્યું ત્યારે તેણે એક “કલામંદિર” સ્થાપ્યું. મૃદુલા, લતા, શોભના અને એવી બીજી કેટલીયે યુવતીઓ અને રસીક યુવાનો ′ કલાકાર′ બનવા આવ્યા. ખર્ચાય એટલી જીવનશક્તિ ખર્ચી કુમારે સર્વ શિષ્યોને કલા પાઇ. તેના ઉત્તમ ફળરૂપે મૃદુલા શ્રેષ્ઠ ગાયિકા બની. લતા અદભૂત નર્તકી બની અને શોભના મહાન તત્વચિંતિકા બની. છતાં કુમારનું મન ના વળ્યું. કુમારને હજી કાંઇ ખામી રહી જણાતી હતી. કંઇક ન્યૂનતા દેખાતી હતી.
કુમારને લાગ્યું ′ મારી તપશ્ચર્યા નિષ્ફળ ગ ઇ. મારૂં ધ્યેય સિધ્ધના થયું. જીવનની સાચી કલા ક ઇ ? મારી કલામાં અમર આત્મા નથી…. હજું કાંઇ બાકી છે…..′
કુમાર ઉદાસીન રહેતો. ત્રણે શિષ્યાઓ કુમારને પોતાના હ્રદયનો કલાકાર બનાવવા મથતી. કુમારને તે હાસ્યપાત્ર લાગતું. તેનું જીવનધ્યેય ઉત્તમ કોટિની કલાકાર પત્ની મેળવવાનું ન હતું, તેનું ધ્યેય મહાન કલાનું સર્જન કરવાનું હતું. જગતને અમૂલ્ય અને જીવંત કલા આપવા માટે તેણે પોતાની જીંદગીના અમૂલ્ય વર્ષો વેડફ્યાં હતાં. કલા એજ તેનો જીવંત મંત્ર હતો અને કલા એજ તેના હ્રદયના ઉંડા શ્વાસોશ્વાસ હતાં …..
શોભના કલાકારને ચાહવામાં અને તેના જીવન સાથે જીવન સાંધવામાં જીવનની શ્રેષ્ઠ કલાનું સર્જન થશે એમ માનતી હતી.
લતા પોતાના ગુરૂનું જીવનભર સાનિધ્ય મેળવવામાં અને અંગે અંગ ઉભરાતા યૌવનને નૃત્યમાં વણી, કલાનું શ્રેષ્ઠ ઝરણ વહાવવામાં જ જીવનને ધન્ય સમજતી હતી.
અને મૃદુલા ! મૃદુલા તો પોતાની હ્રદયવીણાના પ્રણયતાર પર કુમારની કલાઝરતી અંગુલીઓનો હળવો સ્પર્શ થશે તો જ સંગીતના સૂરીલા અને શ્રેષ્ઠ સૂરો બાજશે અને ત્યારે જ શ્રેષ્ઠ કલાનું સર્જન થશે જે વડે પોતાનું જીવન સાફલ્ય સાધી શકાશે એ માન્યતા ધરાવતી હતી.
છતાં કલાકાર કુમારને તેમાં કલા દેખાતી નહીં. તેમાં તો તેને વિકારની ઘેરી વાસના છાયેલી જણાતી.
નિત્ય નિયમ અનુસાર કલાકાર આજે સરોવરની પાળ પર બેઠો હતો. તેના હૈયાની ગ્લાની રેષાઓના પ્રતિબિંબ મુખ પર રચાયેલ હતાં. શોભના, લતા, મૃદુલા અને નિશા બીજી તરફ કોઇની સાથે વાતચીત કરતાં હતાં. આજે નિત્ય કરતાં મોડું થયું હતું એટલે અંધકાર ગાઢ હતો. સરોવરનાં શાંત અને અથાગ જળમાં એક મોટો અવાજ થયો. ચારે યુવતીઓ ગભરાઇ ગઇ. કોઇ એક યુવતીએ દોડી સરોવરમાં ઝંપલાવ્યું. કિનારે ઉભેલી, ગભરાયેલી ત્રણે ક્લાપ્રિય યુવતીઓ એકબીજા સામે આશ્ચર્યભરી મુખમુદ્રાએ જોઇ રહી.
′ હાય રે ……..! કલાકાર…… સરોવરમાં પડ્યા ….?
′કુમાર ……. મારા ….. કુ……!′
′ અરે … પણ પેલી નિશા શા માટે સરોવરમાં કૂદી પડી …?′
…….. થોડીક પળો બાદ ઘણી મથામણ બાદ નિશાએ કલાકારના બેભાન દેહને જોરથી કિનારે ધકેલી મૂક્યો. કિનારે ઉભેલી યુવતિઓએ કલાકારના દેહને ઉપર ખેંચી લીધો. અવાજને કારણે ઉહાપોહ મચી ગયો. થોડા દૂર ઉભેલા ચાર છ પુરૂષો દોડી આવ્યા. ડૂબતી નિશાને પણ બચાવી લીધી પણ પાણી વધુ પડ્તું પી જવાથી તે પણ બેભાન હતી.
ચાર દિવસની બેભાન અવસ્થા કેડે કુમાર આજે જાગ્યો. તેની આંખ ઉઘડી, તેને ભાન આવ્યું. પોતે ક્યાં છે એની તેને તો પહેલાં સમજ ન પડી.
′ હું…. હું … ક્યાં છું ?′ તેણે વેદના ભર્યાં કંઠે બૂમ પાડી.
′ ગભરાઓ નહીં મિસ્ટર કુમાર…. તમે હોસ્પિટલમાં છો. યાદ છે તમે ડૂબ્યાં હતાં અને પછી તમને કોઇએ બચાવ્યાં. તમે બેભાન હતાં તેથી હોસ્પિટલમાં લાવવામાં આવ્યાં. આજે ચાર દિવસ કેડે તમને ભાન આવ્યું છે. ….. પણ તમે જરાએ ગભરાશો નહીં ′ નર્સે કુમારને કહ્યું.
′ મને કોણે બચાવ્યો ? શા માટે બચાવ્યો ?′
′ તમને કોઇ સ્ત્રીએ બચાવ્યો છે.′ નર્સે જણાવ્યું.
′ સ્ત્રીએ ? ? ? ′ શોભના…. લતા….કે મૃદુલા…. કોણ હશે ? કુમારના વેદનાગ્રસ્ત મનમાં પ્રશ્નોનાં વર્તુળ રચાયાં.
શોભના, લતા અને મૃદુલા દરરોજ કુમારની તબિયતના સમાચાર લેવાં હોસ્પીટલમાં આવતાં આજે પણ તેઓ આવ્યાં અને કુમારના રૂમમાં દાખલ થયાં.
′ મને શા માટે બચાવ્યો ….? શા માટે…?′ કુમાર ધીમા શબ્દે બબડ્યે જતો હતો.
′કુમાર ….. પ્રિય કુમાર ….. તમને બચાવ્યા પણ તે ન બચી. બેભાન હાલતમાં અહીં હોસ્પીટલમાં તેને લાવ્યા. આજ બે દિવસ પહેલાં પાંચ દસ મિનિટ માટે તેને ભાન આવ્યું હતું અને તે ક્ષણોમાં તેણે એક પત્ર લખી નાખ્યો. પછી પાંચ મિનિટમાં તો એની આંખો સદાને માટે મીંચાઇ ગઇ. મહાપ્રયાસોને અંતે પણ ડોકટરોના હાથ હેંઠા પડ્યા…..′ બોલતાં બોલતાં લતાએ કુમારની છાતી પર માથું ઢાળી દીધું.
′ પત્ર ….? પત્રમાં શું લખ્યું હતું ?′ ઉત્સુક કુમારે પૂછ્યું.
′ પત્ર વાંચવાંની તેણે અમને ના પાડી હતી. તમે જાગૃતિમાં આવો ત્યારે તમને વાંચવાનું કહ્યું છે. આજ્ઞા હોય તો વાંચી બતાવું !′ મૃદુલા બોલી.
′ હા… વાંચ…′
મૃદુલાએ પત્ર ઉઘાડ્યો. અક્ષરો છૂટા છવાયાં હતાં….
′ શ્રેષ્ઠ કલાકાર ….?
ક્લા શોધો છો કે મૃત્યુ ? મૃત્યુમાં શું કલા નથી ?. જીવનને ક્લા માનો છો તો મૃત્યુ એક કલા જ છે ને ? છતાં તમારે તો શ્રેષ્ઠ જ કલા જોઇએ.
તમને બચાવતાં જતાં આજે કદાચ હું પ્રાણ ખોઇશ….. તેમાં મને ગૌરવ ભાસે છે. કલાકારને બચાવવાં જતાં કલાની અણઘડ પ્રતિમા મરી જશે તો જરૂર શ્રેષ્ઠ કલાનું સર્જન થશે. યાદ છે ? શાળામાં સાથે ભણતાં તમે મારાં દેહસૌંદર્ય તરફ આકર્ષાયા હતાં….. પરંતુ તે અણ કેળવ્યા દેહસૌંદર્યે મારા જીવનમાં કલાનો ભાસ ના કરાવ્યો. હું તમારાંથી દૂર રહી. તમારું કલામંદિર મને ના ગમ્યું. તેથી તમને મારાં પ્રત્યે અણગમો થયો. છતાં તમારી કલાની જીવંત ધગશ પ્રત્યે – મને સદાય માનની લાગણી જ રહી છે. અને તેથી જ તે કલાના આત્માને બચાવવા…… એ કલાનું અમરત્વ સર્જવાં કદાચ મારે મારી જીંદગીની કિમંત ચૂકવવી પડે તોયે મને દુ:ખ નહીં થાય. સ્વર્ગના કલાધામમાં અનંતકાળ માટે વિહરશે. આશા છે કે જીવીને અધૂરી શ્રેષ્ઠ કલાનું સર્જન કરજો.. મારૂં મૃત્યુ …. તમારી સાધનાની સિધ્ધી માટે – તમને કદીક યાદરૂપ થશે તો હું મારૂં જીવન સાર્થક થયું ગણીશ.
એજ,…..પાસે છે તેટલી કલાથી કલાનું મૂલ્ય ચૂકવી આપતી આપની…નિશા……′
મૃદુલા પત્ર વાંચી રહી. શોભના અને લતા કુમારના પલંગ પાસે બેઠાં હતાં …. ′કલા…..! શ્રેષ્ઠકલા…..! લતા જોઇ તેં શ્રેષ્ઠ કલા…..! શોભના……! સાચી અને શ્રેષ્ઠ કલા….. મૃત્યુ ….! નિશા ….. આજથી હું પ્રતિજ્ઞા કરું છું કે તારી શ્રેષ્ઠ કલાને જીવનભર ટકાવી રાખીશ….. શ્રેષ્ઠ કલાનું સર્જન એમાં જ છે …. શ્રેષ્ઠકલા કુરબાનીમાં છે.! નિશા તેં આત્મસ્વાર્પણ અને કુરબાનીની ભવ્ય કવિતા રેલાવી મારી કલાના કિંચિત ઝરણને સાગર બનાવ્યો…… દેવી …..! હું અને તારી મહાન કલા મારાં હૈયામાં, મારી આજસુધીની ઉત્તમ ફળરૂપી શ્રેષ્ઠ કલા બની અમર રહેશેં. મારાં જીવનમાં તેં શ્રેષ્ઠકલાનો પ્રદિપ્ત દીપ પ્રગટાવ્યો છે દેવી !. તેં ′ આત્મસ્વાર્પણ′ એ જ સાચી અને શ્રેષ્ઠકલા છે….. દેવી ધન્ય છે………!
…….. અને કુમારની આંખમાંથી બે આંસુ સરી પડ્યાં, શું તે આંસુ હર્ષનાં હતાં કે શોકનાં ?
નહીં …….. તે આંસુ તો શ્રેષ્ઠકલાની સર્જક નિશાની ભવ્ય આત્મ કુરબાનીની કબર પરનાં બે અમૂલ્ય સુગંધીત પુષ્પો હતાં……….
લેખક – રવિ ઉપાધ્યાય વય – 22 પ્રસિધ્ધ – યુગાંતર તા. 06 / 08 / 1950
Posted in વાર્તા - ટૂંકી વાર્તા | Tagged: ટૂંકી વાર્તા | 1 Comment »
Posted by Dr Jagdip Upadhyaya on March 25, 2009

હજૂયે યાદ છે મને દિ′ કોક સંધિકા સમે,
હજૂયે યાદ છે મને દિ′ કોક સંધિકા સમે,
લટાર મારવા અમે ગયાં′તાં વારિધિ તટે...!
સુગંધ વાયુ-મંડળે ભરંત દ્રુમનાં દલે પ્રકાશનો કસુંબલો......
સ્ફૂરંત રંગ ત્યાં ઢળ્યો હતો, એ મૌન સાગરે,
ન શબ્દ, શ્વાસ એ ભરે, ધીમે ધીમે ....
વહે અફાટ જોશમાં ક્ષિતિજ કેરી ડોકમાં,પરોવે રંગ બિન્દુડાં !
ડૂબંત સૂર્યના સુવર્ણ તેજ પી,બની પ્રમત્ત લ્હેરીઓ સમીર કેરી,
મીઠી મીઠી શીત ભરી સાથ લૈ આવતો ને, પૃથ્વી પે વહાવતો !
સમીરની સુરાવલી હતી, ઊરોને ભાવતી,
ખળખળાટ હાસ્યમાં તરુવરો નચાવતી,
ઊડંત મુક્ત પંખીડાં, કિલ્લોલમાં હસાવતી,
દિગંત-રેખથી દ્રવંત, વારિધિ મહીં ભળંત, રક્તરંગી તેજ-ધાર....!
બાંધી ત્યાં હતી જે પાળ, બેસી તેની ઉપરે અમે નિહાળતાં હતાં
રાચતાં, પ્રફુલ્લતાં સુગંધવાયું ચૂમતાં, ને અવનવા એ રંગનાં ધનું નિહાળતાં હતાં....
ત્યાં સ્ફૂર્યો મને વિચાર ! અંતરને આરપાર,
ઝણઝણત બીન-તાર-શો, વહ્યો કો આંચકો !
જે રંગ જોઇ રાચતો-પ્રફુલ્લતો...ને અવનવી કુમાશ હૈયે માણતો !
તે ઘડીકમાં વિલુપ્ત-થૈ જશે, નભેથી લુપ્ત,રેખ એકે નૈ રહે,
નક્કી વિભાવરી ઢળે, તિમિર ત્યાં ફરી વળે,
જ્યાં રાજ્ય રાત્રિનું ચઢે, એ ક્રમ જીંદગી મહીં,
મનુષ્યની શું દીસતો-ન ? આવતી યુવાની ને વહી જતી ....!
જે રંગ રેલતો યુવાનીમાં ખીલે, રસે, ધસે, જે પુર-બહારમાં
લુપ્ત તે ન થાય શું ?
આવતી સવારી જ્યાં ડોલતી જરાની ત્યાં ?
જન્મવું ઘડીકમાં ને ખીલવું ઘડીકમાં
રચવું યુવાની કેરી મોજમાં ઘડીકમાં,
ત્યાં નકી જરાની જાળમાં ફસાવું,
પાંગળુ અને બસુરું -
ગીત બસ જરાનું ... ગાવું ...
એક દિ′ તો કાળને મુખે છ જાવું !
વ્યર્થ ખેલ માનવી !
શેં સર્જતો આ દાનવી !
વેર ઝેર તાંડવો
ઘડી ઘડી શું માંડતો ?
રંગરેખ ના રહે જ્યમ ક્ષિતીજના તટે
મનુજ-જીંદગીનો કાળ સ્થાયી કોઇ ના રહે !
આજ જે હુલાસ રંગછોળ ઊડતી
યુવાનીની સુરાવલી મધુર ગુંજતા,
કાલ તે જરાના ઘેરા રંગથી -
નક્કી ભૂંસાશે - આ યુવાન અંગથી ?
વ્યર્થ હું શેં રાચતો ?
યુવાની કાળ આજનો ?
મોજ શોખને મીઠા વિલાસ નીત માણતો?
શેં જરાના અંધકારમાં ભળી જવા અગાઉ -
કાર્યસદ્દ કરી પ્રકાશની ભરી લઊં -
અબૂઝ રંગ જ્યોત હું ન જીવને ?
શબ્દરચના - રવિ ઉપાધ્યાય.
Posted in ગીત - ઉર્મિ ગીત | Leave a Comment »
Posted by Dr Jagdip Upadhyaya on February 26, 2009
નારાયણદાસ સુખરામ જોષી …..
સગપણે એ મારાં વ્હાલા માસા. આજે નેવું (90) વર્ષ પૂરાં કરી એકાણુંમાં (91) વર્ષમાં પ્રવેશતા આ માસા મારાં સગામાં હાલ સૌથી વયસ્ક. પ્રભુની અસીમ કૃપાથી અને ખુદની નિયમિત, સાદી અને શિસ્તભરી જીવનશૈલીને કારણે ( કે કદાચ દર શીયાળાની મોસમમાં મેથીપાકના અચૂક સેવનથી ), આજે પણ ( થોડી કાન અને આંખ પર વર્તાતી ઉમ્મરની અસર બાદ કરતાં ) ખૂબ જ સ્વસ્થ તન અને મન સાથે એ આનંદે હરીફરી શકે છે. દરરોજ સાંજે પાર્કમાં તેઓ ફરવા જાય. સમવયસ્કોની મંડળીમાં વાતચીત કરે, ખબરઅંતર પૂછે, લાફીંગ ક્લબમાં પેટભરી હસે કાં સંતાનોના ઘરે બે ચાર ઘડી ફરી આવે. 1954માં મારાં જનમ થી 1969માં મારાં મેટ્રીક સુધી વિલેપાર્લાના મારૂતીબાગના માળામાં અમે ઉપર નીચે રહેતાં. એમની આંખ સમક્ષ હું મોટો થયો અને એટલે એમનું વ્યક્તિત્વ આજીવન મારાં માનસપટ પર સવિશેષ છવાઇ જ રહે.
પોતાનાં કપડાં આજે પણ જાતે ધોતાં નારાયણદાસમાસાં સ્વાવલંબી અને એક મળવાં જેવાં ખાસ માણસ. જેની કલક્ત્તામાં હેડઓફીસ છે એવી ઇસ્ટ ઇડીંયા ફાર્મસ્યુટીક્લ કંપનીમાં મેડીકલ રીપ્રેસ્ટંટેટીવથી શરૂઆત કરી છેલ્લે રીટાયરમેંટ વખતે એરીયા મેનેજર તરીકે નિષ્ઠાપૂર્વક એમણે વરસો સુધી સરવીસ કરી. (સૂટ-બૂટ-ટાઇમાં સજ્જ થઇને ! ) મુંબઇના લગભગ બધાં સારાં ટોચના ડોક્ટરોને મળવાનું અને અનેક હોસ્પીટલોમાં જવા આવવાનાં કારણે મેડીકલ ફીલ્ડમાં એમની સારી એવી ઓળખાણ. ડો. ગાંજાવાલા (સર્જન), ડો. સી.એલ.ઝવેરી (ગાયનેકોલોજીસ્ટ), ડો.પ્રફુલ્લ પટેલ, ડો. અશોક શ્રોફ (ઓપ્થેલમોલોજીસ્ટ), ડો.એ.બી.આર દેસાઇ (ઇ એન ટી સ્પેશીયાલીસ્ટ) ડો. બી.જે.વકીલ (ગેસ્ટ્રોએંટ્રોલોજીસ્ટ) જેવાં નામાંકિત ડોક્ટરો પાસે અમારી જ્ઞાતિનાં અને આડોશ પાડોશનાં દર્દીઓને સાથે લઇ જઇ ઇલાજ કરાવતાં અને આમ દરદીઓ અને ડોક્ટર વચ્ચે સેતુનું કામ કરતાં. જરૂર પડ્યે એમની કંપનીની દવા જેવી કે ટોનોફેરોન, કેલરોન, એંટ્રોક્વીનોલ, વીટાઝાઇમ, લોક્યુલા આઇ ડ્રોપ્સ, ડરમોક્વીનોલ જેવી દવાનાં સેમ્પલો પણ આપતાં. આ ઉપરાંત યુનિકેમ,એલેમ્બીક, ગ્લેક્ષો, મર્ક શાર્પ, કે જર્મન રેમેડીઝ કંપનીની દવાઓનાં સેમ્પલો એમનાં મિત્ર રીપ્રેસ્ટંટેટીવ પાસેથી મંગાવી આપતાં.
અમારી જ્ઞાતિના છાત્રાલયમાં ભણ્યા હોવાથી જ્ઞાતિના સમાજ ટ્ર્સ્ટ અને વિદ્યાર્થીભુવનના સંચાલનમાં પણ ઘણી સેવા આપી છે. પુનિત મહારાજ સ્થાપિત પ્રેરણાદાયી અને જીવનનો રાહ બતાવતું “જનક્લ્યાણ” મેગેઝીન અને એ ટ્રસ્ટ દ્વારા અવારનવાર બહાર પડતાં અન્ય અનેક પુસ્તકોનું પાર્લા વિસ્તારમાં વર્ષોસુધી સ્વહસ્તે વિતરણ કરવા એમણે લીધેલી અને નિભાવેલી જવાબદારી એ બહુજન સમાજની એમણે કરી હોય એવી એક મોટી સેવા જ ગણાય. એ સહુ કુટુંબીજનો માટે કુટુંબવત્સલ, અને પ્રેમાળ રહ્યાં છે. હા ! કોઇક વાર ગુસ્સે પણ સારાં એવાં થાય અને ભલભલાને ખખડાવી પણ નાખે. ક્યારેક જયામાસી સાથેની એમની તીખીમીઠી ચડભડ પણ સાંભળવાં જેવી ખરી ….મૂળત: તો માસા રમૂજી. “પાકીઝા”, ઢેમ, મનસુખલાલ, શીસો-”કોઠી”, ધનીયા, ” બા ના આશીષ” વગેરે એમનાં પ્રિય પાત્રો. તારક મહેતાની “દુનિયાને ઉંધા ચશ્મા” સીરીયલમાં આવતા “જેઠાલાલ”ના પાત્રસમા કાંતીકાકા સાથેની એમની મિત્રતામાં આજે પણ એટલીજ તાજગી વર્તાય. એમના સંતાનોમાં ભક્તિબેન, અનુપમ,નલીન અને અંજલી સહુ સ્થાઇ અને સુખી છે.
ફરી એકવાર જન્મદીન મુબારક અને શેષ જીવન સુખી અને સ્વસ્થ રહે અને તેઓ શતાયુ બને એવી પ્રભુ પાસે અભ્યર્થના…….
*** ડો.જગદીપ રવિ ઉપાધ્યાય
તા 26/02/1999નાં રોજ આયુષ્યનાં 81માં વર્ષમાં પ્રવેશ કરતાં શ્રી નારાયણદાસ સુ. જોષીને બિરદાવતો કુટુંબમેળાનો પ્રસંગ ગંગાબેન જપી સભાગૃહ, બોરીવલી મુકામે યોજાયેલ હતો. આ પ્રસંગે કવિ:રવિ ઉપાધ્યાયે પોતાનું કાવ્ય રજૂ કર્યું હતું જે આ મુજબ હતું :
વ.શ્રી નારાયણદાસ સુ જોષીને……..
મ્હોર્યો મતવાલો મનનો માંડવો, ડોલી દિગ દિગની ડાળ,
વેલી વાર્ધક્યની વિસ્તરી સુદ્ર્ઢ સ્વાસ્થ્ય સંભાળ
હરિવર વરસાવે હેલી હેતની …… (1)
કેડી કંડારી વેઠી કષ્ટ સહુ, ઘડ્યા જીવતરના ઘાટ
હરપળ સંઘર્ષો કીધાં બહું, વિસરી દિવસ અને રાત
હરિવર વરસાવે હેલી હેતની …… (2)
અખૂટ આત્મશ્રધ્ધા થકી ખેડ્યાં જીવનના જંગ
સ્નેહી, સ્વજન કાજે આદર્યો સેવા ધર્મના રંગ.
હરિવર વરસાવે હેલી હેતની …… (3)
પરદુ:ખ કાજે દુ:ખી થયા, બન્યા રાહબર હંમેશ
સત્ય કાજે ઝઝૂમી ઉઠ્યા, ડરના રાખ્યો લવલેશ
હરિવર વરસાવે હેલી હેતની …… (4)
સુશિક્ષણ આપી ઉચ્ચતમ, કીધાં સંસ્કારી સંતાન,
શીલ, સંયમી દાંપત્યનું દોર્યું જીવન-સુકાન,
હરિવર વરસાવે હેલી હેતની …… (5)
દીર્ઘાયુષી બનો દંપતી, શતં જીવો શરદમ
શુભેચ્છાઓ સૌ સ્વજન આપે, હો આનંદ મંગલમ
હરિવર વરસાવે હેલી હેતની …… (6)
કવિ:રવિ ઉપાધ્યાય ( 26/02/1999)
Posted in ગીત - પ્રશસ્તિ ગીત, ગીત - પ્રસંગોચિત્ત | 4 Comments »
Posted by Dr Jagdip Upadhyaya on February 17, 2009

મા સરસ્વતીની પૂજા આરાધનાનું વસંતપંચમીમાં મહ્ત્વ હોવાને કારણે કવિ રવિ ઉપાધ્યાયની આ એક લઘુ પ્રાર્થના…..
દેવી સરસ્વતી - પ્રાર્થના
દેવી સરસ્વતી સદા હ્રદયે વસો મા !
સૂરો મધુર બીનના, જીવને ભરો મા !
હું કોઇ કાજ કુરબાનીનું કાવ્ય થાઉં…!
આ જીંદગી તણી સુવાસ ચિર: જગાવું..!
એ અલ્પ આશ કર પૂર્ણ તું એ જ ચાહું !
કવિ : રવિ ઉપાધ્યાય ( તારીખ : 24 /07/50)
Posted in ગીત - પ્રાર્થનાગીત | Leave a Comment »
Posted by Dr Jagdip Upadhyaya on February 16, 2009

મહા સુદ પાંચમના દિવસને આપણે વસંત પંચમીના દિવસ તરીકે ઓળખીએ છીએ.હેમંત અને શિશિર ઋતુ પછી આવતાં આ દિવસે વસંત ઋતુનું આગમન થાય છે. ધરતી પર રંગબેરંગી ફૂલો પથરાયા હોય છે. ખેતરમાં જાણે પીળા રંગની ચાદર બિછાવાઇ હોય એવું આપણને લાગે.કેસૂડો પૂરબહારમાં ખિલ્યો હોય અને એની ડાળપર કોયલ ટહુકા કરતી હોય. આવા આહલાદ્ક વાતાવરણમાં પ્રેમી પંખીડાઓનાં દિલમાંથી પ્રેમની સરવાણી ફૂટે અને કવિઓને કવિતા લખતા કરી દે. એવું પણ મનાય છે કે આ વસંતપંચમીનો દિવસ એટ્લે મા સરસ્વતીનો જન્મદિવસ…. એટ્લે કે એની આરાધના, પૂજા, અર્ચના કે વંદન કરવાનો દિવસ.
- ડો. જગદીપ ઉપાધ્યાય
વસંતને વધામણાં
વસુંધરા દેતી વસંતને વધામણાં
તાલભરી હૈયાનો લેતી ઓવારણાં …. વસુંધરા
અંગ પર અનંગનો ઉમંગરંગ નીંતરે
કંચન કાયા કટોરી પ્રાકૃત અમૃત ઝરે
પહેરી પ્રીતિનાં પટકૂળ સોહામણાં….વસુંધરા
સંધ્યા ઉષાએ રંગ તેજ નૃત્ય આદર્યા
આભની અટારીએથી અબીલગુલાલ ઝર્યાં
હીંચે હર્ષનાં હીંડોળે હૂલામણા…. વસુંધરા
કેસૂડે ફાગનો પરાગ રાગ રેલતો
વન ને ઉપવન વાયુ વીંઝણલો વીંઝતો
કરે કોકીલા ટહુકા લોભામણાં…. વસુંધરા
પુષ્પતણી પાંખડીની પાંપણ પે પોઢતા
માદક મકરંદ પી મધુપ મસ્ત મ્હાલતા
ઘૂમે ઘેરૈયા રંગ – ઘમસાણમાં… વસુંધરા
સ્નેહીનો બોલ મીઠો અંતરપટ ખોલતો,
મનની મંજરીઓનો માંડવડો મ્હોરતો
જાગે જૂગજૂગનાં પ્રીતિ- સંભારણાં…. વસુંધરા
કવિ રવિ ઉપાધ્યાય (08/01/1961)
Posted in ગીત - ઉત્સવગીત, ગીત - ઉર્મિ ગીત | Leave a Comment »
Posted by Dr Jagdip Upadhyaya on February 12, 2009

અનિલકુમાર ગિરજાશંકર ભટ્ટ
તારીખ 12 ફેબ્રુઆરી 1935ના દિવસે જન્મેલ ( અર્થાત આજે 12/02/2009 ના રોજ એમણે 74 વર્ષ પૂરાં કરી 75માં વર્ષમાં પ્રવેશ કર્યો હોત) અને ફક્ત 45 વર્ષની વયે તારીખ 16 સપ્ટેમ્બર 1980નાં દિવસે ડાયાબિટીસ અને એના કોમ્પ્લીકેસનસને લીધે દેવલોક પામેલ અનિલકુમાર ગિરજાશંકર ભટ્ટ મારાં મામા થાય. મુંબઇની કાલબાદેવી પર આવેલ આર્યનિવાસ લોજનાં તેઓ એક ભાગીદાર. એમનાં મૃત્યુ પ્રસંગે પિતાશ્રી કવિ રવિ ઉપાધ્યાયે રચેલ આ શ્રધ્ધાંજલિ કાવ્ય આજે હાથ લાગ્યું…. અને એમની યાદ તાજી થઇ ગઇ. તેઓ ખૂબ જ વૈશિષ્ટપૂર્વકનું વ્યક્તિત્વ ધરાવનાર, મિતભાષી અને નીરાડંબી. નાનપણથી જ ફૂલગલીના માતાજીની ગરબીના ચોકમાં, માતાજીના પ્રેમરસમાં તરબોળ થઇ, તબલાનાં તાને અને નાદે મસ્ત ભક્તિનું વાતાવરણ જમાવી દેતાં. સત્તાવીસ સાબરકાંઠા ઔદિચ્ય બ્રાહ્મણ નવદૂર્ગા મંડળના નેજા એઠળ કવિ રવિ ઉપાધ્યાયની અમરરચના-ગરબી “રૂમઝૂમ પગલે ચાલ્યાં મા જગજનની જગદંબા” આઇ.એન.ટી ગરબારાસ હરિફાઇમાં 1954માં વિજયી બની. આ વિજયમાં તેમની પ્રેક્ષકોને તબલાની તાલે એક રસ કરી મૂકવાની ક્ષમતાનો ફાળો નાનોસૂનો નહોતો. ફૂલગલીમાં અનેક વર્ષો સુધી આસોની એકમથી પૂનમની માવડીની વિદાય સુધી ગવાતી ગરબીઓને એમનાં તબલાનાં તાલની સંગતે સહુ ભાવિકોને અલૌકિક ભક્તિભાવની પ્રતિતિ કરાવી હતી. વર્ણમ સંસ્થાના ( સંગીતકાર ) નવીન શાહ, કવિ ધનજીભાઇ પટેલ ‘ આનંદ’ (.”… એવો પ્રભુ બનાવ્યો શા માટે ?”), મિમિક્રી આર્ટીસ્ટ કાંતી પટેલ જેવાં કલાકારો જ્યારે પણ આપણને મળે ત્યારે અનિલમામાની યાદ તાજી કરતાં. ઓછું બોલતાં પણ મુદ્દ્દાસરનું બોલતા. શબ્દોનો પ્રાસ મેળવી જવાબ આપવાની એમની લાક્ષણિકતા અજોડ હતી.
ડો. જગદીપ ર. ઉપાધ્યાય.
મધ્યાન્હે તપતો એક સૂરજ આથમ્યો.
મધ્યાન્હે તપતો એક સૂરજ આથમ્યો
ધોમ ધૂપમાં વિલાયું સૂરજમુખી -
મઝધારે સાગર જાણે સુકાઇ ગયો -
મધ્યાન્હે તપતો એક સૂરજ આથમ્યો…….1
અલગારી પ્રકૃતિનો એક આદમી,
પ્રકૃતિને પ્રિય અંક પોઢી ગયો !
મધરાતે પૂનમનો ચંદ્ર શમી ગયો !
મધ્યાન્હે તપતો એક સૂરજ આથમ્યો…. ..2
શાંત, નિખાલસ, નિરાડંબી, મિતભાષી,
સૌનો ચાહક, કળા કુશળ ને ઉલ્લાસી,
ધરતીને પેટાળે જાણે મહાવીજ પ્રપાત થયો,
મધ્યાન્હે તપતો એક સૂરજ આથમ્યો…. ..3
ભરયૌવનમાં અણધારી જીવનલીલા સંકેલી
વિધિએ આ તે કેવી વક્રગતિ આંકેલી ?
જલતા જ્વાળામુખી ફાટ્યા પ્રચંડ ઝંઝાવત થયો ?
મધ્યાન્હે તપતો એક સૂરજ આથમ્યો…….4
શોકાશ્રુના મહાસાગરમાં સ્વજન સહુ યે ડૂબ્યાં
યાદી કેરા અતાગ-વનમાં ખૂબ જ ઉંડે ખૂપ્યાં !
સૌનાં હૈયાંની ધડકનનો એક તાલ ખોવાઇ ગયો !
મધ્યાન્હે તપતો એક સૂરજ આથમ્યો…….. ..5
હે ! મહાકાળ ! શરણ તમ આવ્યો પવિતર આત્મા
મંગલમુક્તિ દ્વાર ઉઘાડો, દેજો શાશ્વત-શાતા
આજ હજારો હૈયાંનો એક પુનિત પ્રાર્થના સૂર ઉઠ્યો
મધ્યાન્હે તપતો એક સૂરજ આથમ્યો……..6
રવિ ઉપાધ્યાય ( 1980 )
Posted in ગીત - અંજલી ગીત | 2 Comments »
Posted by Dr Jagdip Upadhyaya on February 11, 2009

સાબિતી….
નથી તારી છબી, સામે નિરખવા – પાસ તો મારે …
નથી કો ખત વિરહનાં દર્દ રોતો, ” યાદ તું આવે”..!
પરંતુ આ સમે મુજને કરી રહી યાદ તું નક્કી…!
પળે પળ આવતી આ “હેડકી” તે સાબીતી એની …!
કવિ : રવિ ઉપાધ્યાય ( 3/10/1950)
Posted in ગીત - ઉર્મિ ગીત, ગીત - મુક્તક/યુગ્મક | Leave a Comment »
Posted by Dr Jagdip Upadhyaya on February 8, 2009

મનુજ જીંદગી…
અહા ! જાણી લીધો ક્રમ મનુજની જીંદગી તણો
ચગે વંટોળો તે શમે ફરી, ફરી એ ચગી શમે…
ત્રિકાલો એવા ત્યાં બચપણ, યુવાની પછી જરા
નક્કી છેલ્લે મૃત્યુ… ભરતી પછી શું ઓટ જલધે…!
કવિ : રવિ ઉપાધ્યાય ( 15/05/1950)
Posted in ગીત - ઉર્મિ ગીત, ગીત - મુક્તક/યુગ્મક | Leave a Comment »
Posted by Dr Jagdip Upadhyaya on February 7, 2009
ખત મળ્યે…..
સૂના હૈયે જાગે નવલરસનું શાંત-ઝરણું…
અધીરા આત્માને ડૂબતું મળતું જેમ તરણું….
અહા ! એવા ભાવે હ્રદય મૂક શાંતિ અનુભવે..
ટૂંકો તો યે તારા કર થકી લખેલો ખત મળ્યે……
કવિ : રવિ ઉપાધ્યાય ( 18 / 04 / 1950 )
Posted in ગીત - ઉર્મિ ગીત, ગીત - મુક્તક/યુગ્મક, ગીત - વિરહ ગીત | Leave a Comment »
Posted by Dr Jagdip Upadhyaya on January 26, 2009

સુપ્રસિધ્ધ “મુંબઇ સમાચાર” અખબારે શનીવાર,તારીખ 26 જાન્યુઆરી 1957ના રોજ ભારત દેશના “પ્રજાસત્તાક દિવસ”ની 7મી વર્ષગાંઠના અવસર પર બહાર પાડેલ આવૃતિમાં કવિ : રવિ ઉપાધ્યાયની આ શબ્દરચના પ્રકાશિત કરી હતી.1947માં દેશ આઝાદ તો થયો પણ હજુ 1957માં આબાદ નથી થયો એ વાતનો રંજ પ્રગટ થયો છે. આ સાથે સાથે આઝાદીનું મૂલ્ય દેશવાસીઓને પ્રાણથી પણ વધું છે અને એનું યોગ્ય જતન થશે તો આખું વિશ્વ એક દિવસ એની જાહોજલાલીથી આશ્ચર્ય ચકિત થશે એવો આશાવાદ અને વિશ્વાસ દર્શાવ્યો છે.
અમારી આઝાદી…
ભલે સુખચેનથી જીવનતણી માણી ન ખુશાલી
ભલે કૈં સેંકડો સંકટ તણા વિષની પીધી પ્યાલી !
ભલે છે દૂર મંઝીલ ને ભલે રહી દૂર આબાદી
છતાં છે પ્રાણથી પ્યારી અમોને ” દેશ-આઝાદી”…!…1
ભલે દુનિયા બધી વર્ષાવતી ખંજર મુશીબતનાં,
સહી લેશું સીતમ જખ્મો, દઇ મંત્રો મહોબ્બતના !
ભલે આધિ અને વ્યાધિ બધે અમ પર રહી લાધી,
છતાં છે પ્રાણથી પ્યારી અમોને ” દેશ-આઝાદી”…!…2
હજૂ આઝાદીનું આ વૃક્ષ છે નાનું અને વાંકુ
કહો ક્યાંથી શકે અર્પી હજૂ એ ફળ મીઠું પાકું !
પછી દુનિયા નિહાળે છો, વિકટ હાલતમાં બરબાદી
છતાં છે પ્રાણથી પ્યારી અમોને ” દેશ-આઝાદી”…!…3
અમારી આત્મશ્રધ્ધાથી જગાવીશું નવો પલ્ટો
જહાંના પંથથી ન્યારો રચાવીશું નવો રસ્તો !
લખી ઇતિહાસને પાને શહાદતની અમે યાદી –
છતાં છે પ્રાણથી પ્યારી અમોને ” દેશ-આઝાદી”…!…4
નક્કી દિન આવશે એવો જહાં જ્યારે ચકિત થાશે
અમારી કીર્તિ ગાથાઓ તણાં ગૌરવ-ગીતો ગાશે…
ગુલામી વિશ્વની ટાળી રચીશું વિશ્વ-આબાદી
અમોને પ્રાણથી પ્યારી અમારી ” દેશ-આઝાદી”…!…5
હજૂ છે નાવ મઝધારે જવું છે દૂર કિનારે
ભલે તોફાન છે ભારે છતાં કૈં ડર ન લગારે….!
દૂવા “બાપુ” તણી સાથી, ” જવાહર” ટાળશે આંધી !
અમોને પ્રાણથી પ્યારી અમારી ” દેશ-આઝાદી”…!…6
કવિ : રવિ ઉપાધ્યાય, (કવિનાં” ઉરનાં સૂર” નામે કાવ્યસંગ્રહ અને સુપ્રસિધ્ધ અખબાર “મુંબઇ સમાચારે”શનીવાર,તારીખ 26 જન્યુઆરી 1957ના રોજ ભારત દેશના “પ્રજાસત્તાક દિવસ”ની 7મી વર્ષગાંઠના અવસર પરબહાર પાડેલ આવૃતિમાં પ્રકાશિત…..)
Posted in ગીત - શૌર્ય/દેશભક્તિ | 3 Comments »
Posted by Dr Jagdip Upadhyaya on January 24, 2009

આપણાં ભારત દેશને 15 ઓગસ્ટ 1948નાં દિવસે અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી મળી. એ પછી
26 જાન્યુઆરી 1950 ના દિવસે આપણાં દેશનું બંધારણ અમલી થયું અને આપણે આ દિવસને દરેક વર્ષે પ્રજાસત્તાક કે ગણતંત્ર દિવસ તરીકે હર્ષોલ્લાસ અને આનંદથી ઉજવીએ છીએ. કવિ રવિ ઉપાધ્યાય 26 જાન્યુઆરી 1950 ના દિવસે 20 વર્ષનાં નવયુવક. ઐતિહાસિક અવસરનાં આ દિવસે, આ નવયુવકનાં ઉરમાં માભોમ માટે પ્રગટેલી ઉર્મિઓનું દર્શન કરાવતું અને નવરાષ્ટ્ર નિર્માણનું આવ્હાન કર્તું આ કાવ્ય મુંબઇ સમાચાર જેવાં માતબર અને પ્રતિષ્ઠિત અખબારમાં મોખરાનું સ્થાન પામે એ એક મોટી વાત ગણાય.
તું !
પુનિત વર્ષના પુણ્ય પ્રભાતે, જ્યોત નવી લહરાય.
આઝાદીના રંગ અવનવા પૂરવમાં પૂરાય …
આજના શુભ દિવસે
જાગજે હસી હસીને !
અંગ અંગમાં ભરી ઉમંગે રંગ નવા લાવી ઉષા !
મુક્તિ કેરાં મંગલ-ગીતો ગાયે આજે દશે દિશા !
આજનાં પાવન ટાણે
ગીત ગૌરવનાં ગાને !
કૈંક વર્ષ જે સહી ગુલામી, પડી યાતના-વૃષ્ટિ !
તૂટી જોને જૂલ્મ જંજીરો, સર્જ નવી તું સૃષ્ટિ !
આજના ગૌરવ દિને !
દીનનાં દુ:ખડાં પી લે !
સત્ય તણી શમશેર વડે તું પાપીને દેજે પડકાર !
સ્વાર્પણ કેરાં દીપ થકી તું વિશ્વતણાં તિમિર વિદાર !
આજથી કમ્મર કસજે !
હસાવી સહુને, હસજે !
સેવાની સુવાસ સરાવી વિશ્વ તણી વાડી મ્હેંકાવ !
આલમની આબાદી કાજે આત્માનાં ઓજસ રેલાવ !
સળી તું ધૂપની થાજે !
સહુને સુવાસ પાજે !
પુણ્યશ્લોક “બાપુ“ના મંત્રો, જીવનમાં આચરજે !
માનવતાની મંઝિલ ઉપર ત્યાગ – તેજ પાથરજે !
પ્રેમનાં પાઠ તું ભણજે !
ઐક્ય અમૃત રેલવજે !
કવિ : રવિ ઉપાધ્યાય, ( કવિનાં “ ઉરનાં સૂર“ નામે કાવ્યસંગ્રહ અને સુપ્રસિધ્ધ અખબાર “મુંબઇ સમાચારે“
ગુરૂવાર,તારીખ 26 જન્યુઆરી 1950ના રોજ ભારત દેશના “પ્રજાસત્તાક દિવસ“ના
અવસરે બહાર પાડેલ વિશેષપૂર્તિમાં પ્રકાશિત……)
Posted in ગીત - પ્રસંગોચિત્ત, ગીત - શૌર્ય/દેશભક્તિ | Leave a Comment »
Posted by Dr Jagdip Upadhyaya on December 29, 2008

મારે હૈયે નિતનિત
મારે હૈયે નિતનિત નવાં જાગતાં ઉર્મિ-ગીતો,
વ્હેતાં આવે ઉર-સરસપે નિત્ય રંગીન-સ્મિતો;
એ ગીતોમાં સ્મિત ભળી બને સિદ્ધ કો સ્વપ્ન મારું
તો હું વિશ્વે વ્યથિત ઉરનાં બેસૂરાં ગીત ટાળું !
પામું જો હું રવિશશી થકી રશ્મિ કો એક દિવ્ય,
ને વારિધિ કદીક અરપે, બિન્દુ કો એક ભવ્ય;
તો સર્જાવું અનુપમ ધનુ વિશ્વ-વિરાટ-વ્યોમે
ને થૈ જાઉં સરલ પથ હું વિશ્વ-અંધાર-ભોમે !.
એક્કે અર્પે કલી કમલની દિવ્ય મા શારદા જો !
ને ગુંજાવે સુમધુર સૂરે માત વાત્સલ્ય વીણા;
તો હું થાઉં ધૂપ તણી સળી, ત્યાગ ગંગા વહાવી-
ચેતાવું ત્યાં સુરભ-દિવડા જ્યાં બૂઝી માણસાઇ !
કવિ: રવિ ઉપાધ્યાય, ઉરના સૂર કાવ્ય સંગ્રહ (1961)
Posted in ગીત - ઉર્મિ ગીત | Leave a Comment »